પોલીસે આરોપીઓ પાસેથી કુલ 4 કાર અને અંદાજે રૂ. 12 લાખ રોકડા કબ્જે કર્યા મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાને બહાને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં આરોપીઓએ પડાવી લીધેલા 22 લાખમાંથી બે કાર પણ ખરીદી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 4 કાર અને અંદાજે રૂ. 12 લાખ રોકડા કબ્જે કર્યા છે. મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા. બળજબરીથી તેઓ પાસેથી રૂ. 22 લાખ પડાવી લીધા હતા.આ કેસમાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને મુદ્દામાલ રિકવર કરવા અર્થે આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગરને બે દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા. આ દરમિયાન આરોપીઓએ કબુલાત આપી હતી કે પડાવી લીધેલા પૈસામાંથી તેઓએ બે કાર પણ ખરીદી હતી. વધુમાં આ બે કાર ઉપરાંત પોલીસે તેમની માલિકીની પણ 2 કાર મળી કુલ 4 કાર કબ્જે કરી છે. આ સાથે અંદાજે રૂ. 12 લાખની રોકડ પણ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કર્યા છે.