મોરબી પાલિકાના કોન્ટ્રાકટરે તમામ ગાડીઓ ધોઈને લાવવા સૂચના આપતા ડ્રાઇવરે ગાડી પાણીમાં ડુબાડી મોરબી : મોરબીમાં ડોર - ટુ - ડોર કચરો એકત્રિત કરતા કોન્ટ્રાકટર ઉપર તવાઈ ઉતરી છે ત્યારે આજે એક વિચિત્ર કિસ્સામાં કોન્ટ્રાકટરના ડ્રાઇવરે મચ્છુ-2 ડેમના કોઝવેમાં પાલિકાની માલિકીની છોટાહાથી ગાડીને ડૂબકી મરાવી દેતા રમૂજ ભર્યા આ કિસ્સાએ ચકચાર જગાવી છે. મોરબી પાલિકા વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચ કરી ડોર - ટુ - ડોર કચરો એકત્રિત કરવા કોન્ટ્રાકટ આપ્યો હોવા છતાં પણ મોરબીમાંથી ગંદકી હટવાનું નામ લેતી ન હોય નવા આવેલા ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટર રદ કરી નાખતા આજે ડોર - ટુ - ડોર કચરો એકત્રિત કરતા કોન્ટ્રાકટરે તમામ વાહનોના ડ્રાઇવરોને ગાડીઓ ધોઈ ચકચકાટ કરીને આવવા સૂચના આપી હતી. જો કે, કોઈ સર્વિસ સ્ટેશનમાં ગાડી સાફ કરાવવાને બદલે ડોર - ટુ - ડોર કચરો એકત્રિત કરતા કોન્ટ્રાકટરના માણસો ગાડીને ચકચકાટ કરવા માટે મચ્છુ-2 ડેમના કોઝવેમાં પહોંચી ગયા હતા અને શુદ્ધ પાણીને અશુદ્ધ કરવા લગતા આ વાત કુદરતને પણ મંજુર ન હોય તેમ એક ગાડી આખેઆખી પાણીમાં ડૂબકી મારી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આમ પણ પાલિકાની કચરા ગાડીના ડ્રાઇવરો પોતાના મોતના કુવા જેવા ડ્રાઇવિંગ માટે જાણીતા છે ત્યારે કોન્ટ્રાકટરે જતા-જતા પણ પાલિકાની ગાડી પાણીમાં ડુબાડી નુકશાન પહોચાડ્યું છે ત્યારે આજની આ ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે.