નિવૃત આર્મીમેનને અપાયેલી અને ખાલસા થયેલી જમીન ઉપર કબજો કરવા બદલ લેન્ડ ગ્રેબિંગનુ શસ્ત્ર ઉગામાયું હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામે નિવૃત આર્મીમેનને સાથણીમાં આપાયેલી જમીન ખાલસા થઈ ગઈ હોવા છતાં આ જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ કુલમુખ્યત્યાર નામું ધરાવતા વ્યક્તિની ફરિયાદને આધારે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન અંબિકાપ્રસાદ મગનલાલ ત્રિવેદીને સરકાર દ્વારા 1976માં સાંથણીમાં ખેતરડી ગામની સીમ સર્વે નંબર ૧૮૩/પૈકી ની જમીન હે.આર.ચો.મી.૩-૬૨-૨૦ વાળી સરકાર તરફથી ફાળવવામાં આવી હતી. જો કે આ જમીન અંબિકાપ્રસાદ ત્રિવેદીએ શેઢા પાડોશીને વાવવામાં માટે આપ્યા બાદ સરકાર દ્વારા ખાલસા કરવામાં આવી હતી જે જમીન પરત મેળવવા અંબિકા પ્રસાદ ત્રિવેદીના ભાણેજ એવા રવીભાઇ રમેશભાઇ ઇન્દરીયા, રહે.રામદેવનગર ભડીયાદ ગામ વાળાએ કલેક્ટરમાં અપીલ કરી હોય અને કેસ ચાલતો હોય તેઓ જમીન ઉપર ગયા હતા ત્યારે આરોપી મૈયાભાઇ પેથાભાઇ ભરવાડ, જગાભાઇ વહાભાઇ ભરવાડ તથા લાલાભાઇ વીરાભાઇ ભરવાડે આ જમીનમાં લીંબુનું વાવેતર કરેલ હોવાનું અને આ જમીન ઉપર ફરીથી નહિ આવવા ધમકી આપી હતી. જેને પગલે આ જમીનનું કુલમુખત્યાર નામું ધરાવતા રવીભાઇ રમેશભાઇ ઇન્દરીયાએ લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરતા અરજી ગ્રાહ્ય કરતા હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.