આઠ માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો ટંકારા : ટંકારાના લતીપર હાઇવે પર વળાંક લેતી વખતે કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ઓટાળા ગામના પટેલ પરિવારના ૨૯ વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આઠ માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર ગામ હિબકે ચડયું હતું. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબી મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દેસાઈ (ઉ.વ. આશરે ૨૯) ગઈ રાત્રે ઘરે ઓટાળા પરત જતા હતા. એ વખતે ટંકારાથી લતીપર રોડ ઉપર પ્રભુ ચરણ આશ્રમ પહેલાંની ગોળાઈમાં અજાણ્યા કારણોસર સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર નંબર જીજે-૦૭-એજી-૭૬૬૪ ધડાકાભેર રોડની સાઈડમાં રહેલ ઘટાટોપ વૃક્ષ સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા કારચાલક હાર્દિક દેસાઈનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જુવાનજોધ પુત્રોના મોતના વાવડ સાંભળી પરીવાર ઉપર આભ તૂટી પડયું હતું. તો આઠ મહિનાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હોય, ઓટાળા ગામ હિબકે ચડયું હતું.