આગામી તા.24 માર્ચે સવારથી મચ્છુ-3 ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવનાર હોવાથી મોરબીના 16 અને માળિયાના 8 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જ્વર નહીં કરવા તાકીદ મોરબી : મોરબી - કંડલા બાયપાસ ઉપર આરટીઓ નજીક આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય નવો પુલ નિર્માણ કરવા રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા 85 ટકા ભરેલ મચ્છુ-3 ડેમ ખાલી નક્કી કરવામાં આવતા આગામી તા.24ના રોજ સવારે 9 વાગ્યાથી ડેમમાં ભરેલ પાણી ખાલી કરવાનું શરૂ કરાશે જેથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 16 અને માળીયા તાલુકાના આઠ મળી કુલ 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કંડલા બાયપાસ ઉપર આરટીઓ કચેરી નજીક પુલ જર્જરિત થઈ ગયો હોવાથી છેલ્લા બે વર્ષથી મચ્છુ-3 જળાશયમાં પાણી ભરેલું હોવાથી પુલ નિર્માણનું કામ અટકેલું પડ્યું છે.આ સંજોગોમાં નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા મચ્છુ-3 ડેમ ખાલી કરી પુલનું કામ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા આગામી તા.24 માર્ચના રોજ સવારથી ડેમ ખાલી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં આ મામલે મોરબી સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. અંદાજે 85 ટકા ભરેલા મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવા તા.24 માર્ચે સવારે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને ક્રમશ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવી ખાલી ચેકડેમ ભરવામાં આવશે. દરમિયાન મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવામાં આવનાર હોવાથી મચ્છુ-3 યોજના હેઠળ આવતા મોરબી તાલુકાના હેઠવાસના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકો, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, લક્ષ્મીનગર, અમરેલી, ધરમપુર તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસગપર, વિવદરકા, માળિયા(મી), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.