વાહન અકસ્માતના જોખમની રાવ સાથે જાગૃત નાગરિક દ્વારા રેલવેને રજૂઆત મોરબી : મોરબી જીલ્લામાં આવેલ વીસી ફાટક ક્રોસ કરવાના રસ્તે છેલ્લા સાત-આઠ દિવસથી કામકાજ ચાલુ છે.જેના કારણે રાહદારીઓને ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડે છે.ખાડામાં માણસો પડી જવાથી અકસ્માત થાય છે.જેથી ઇજા થવાથી રાહદારીઓ હેરાન થાય છે.તેથી સામાજિક કાર્યકર દ્વારા નવો ડામર રોડ ઝડપથી બનાવી આપવા મોરબીના રેલવે મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. મોરબી શહેર વીસી ફાટક પાસે ફાટકમાં નવા પાટા નાખવામાં આવેલ છે. નવા પાટા નાખવા માટે રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું.આ રોડનું કામ છેલ્લા સાત-આઠ દિવસથી ગોકળગતિએ ચાલતું હોવાથી રાહદારીઓ ખાડામાં પડી જવાથી હાથ-પગ પડી ભાંગી જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.તેમજ ફાટકની અંદરના ભાગમાં ૫ (પાંચ) નીશાળ તથા દવાખાના આવેલ છે.સીટી મામલતદાર કચેરી પણ અહીં જ આવેલ છે.તેમજ સરકારી કચેરીઓ પણ જેવી નવલખી પોર્ટ તેમજ અન્ય કચેરીઓ આવેલ છે.આ રોડ ઉપરથી આશરે દસ થી પંદર હજારની વસ્તીની અવર-જવર રહેતી હોવાથી તાત્કાલીક ધોરણે ડામર પાથરી રોડ તૈયાર કરી આપવા લતાવાસીઓએ માંગણી કરી છે. તેમજ ટ્રાફીકની સમસ્યા વધુ રહેતી હોય તેથી ઓવર બ્રીજ કરી આપવા અપીલ કરવામાં આવી છે.રેલ્વેતંત્ર દ્વારા જે કામ ચાલુ છે તે ઝડપથી પુર્ણ કરવામાં આવે તેવું લત્તાવાસીઓ અને જાગૃત નાગરિક દલસુખભાઈ ચૌહાણે રેલવે મુખ્ય અધિકારીને રજૂઆત કરી છે.