12થી 14વર્ષના 39300 બાળકો પૈકી 30થી 40 ટકા બાળકોને પ્રથમ ડોઝ અપાયો મોરબી : મોરબી જિલ્લામાં 12થી 14 વર્ષના બાળકોને સ્વદેશી કોર્બેવેક્સ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 39300 બાળકોને કોરોના વેક્સીન માટે ઓળખી કઢાયા છે જેમાં ચારેક દિવસમાં 10 હજાર જેટલા બાળકોને વેક્સિંનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર રાજ્ય સરકારના માર્ગદર્શન અંતર્ગત મોરબી જિલ્લામાં 12થી 14 વર્ષના બાળકોને કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા મોરબી શહેર અને પાંચ તાલુકાઓમાં કુલ 39300 બાળકોને કોરોના વેક્સીનના પ્રથમ ડોઝ માટે અલાયદા તારવવામાં આવ્યા છે. બાળકોને કોરોના રસીકરણ માટે હાલમાં કોર્બેવેક્સ રસી આપવામાં આવી રહી છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના વેક્સિનેશન અધિકારી ડો.વિપુલ કારોલિયાના જણાવ્યા મુજબ 12થી 14 વર્ષની વયજૂથના જિલ્લાના 39300 બાળકો પૈકી ચાર દિવસમાં 10 હજારથી વધુ બાળકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે અને શાળાઓમાં હોળી-ધુળેટીની રજાઓ પૂર્ણ થતા મંદ પડેલ વેક્સિનેશન ઝુંબેશ ફરી પુરજોશથી ચાલી રહી છે.