વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગ વિકરાળ હોવાથી બપોર સુધીમાં સંપૂર્ણપણે કાબુમાં આવે તેવી શક્યતા મોરબી : મોરબી નજીક આવેલી પેપરમિલમાં ગત મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડ વિભાગે સમયસર દોડી જઈને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગ વિકરાળ હોવાથી આજ બપોર સુધીમાં સંપૂર્ણપણે કાબુમાં આવે તેવી શક્યતા છે. મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની આરટીઓ કચેરી સામે ગોર ખીજડિયા તરફ જવાના રસ્તે આવેલ નેકસા પેપરમિલમાં ગતરાત્રે બે વાગ્યાની આસપાસ કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી અને આ પેપરમિલના વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગે થોડીવારમાં જ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આગની લપેટમાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો આવી જતા ભીષણ આગની જ્વાળાઓ લબકારા મારી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ ફાયર ફાયટર સાથે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવા સતત પાણીનો મારો ચલાવ્યો હતો.જો કે આગ કાબુમાં આવી છે. પણ નીચેથી વેસ્ટ પેપરનો જથ્થો સળગતો હોય આગ સંપૂર્ણપણે કાબુમાં આવતા બપોર જેવો સમય થઈ જશે તેવું જાણવા મળ્યું છે.