મોરબીના સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ સનારીયા (સ્પર્શ ક્લિનિક) પાસેથી મેળવો ટિપ્સ મોરબી : હોળી-ધુળેટીનો દિવસ એટલે રંગોનો ઉત્સવ,રંગોની રમઝટ બોલે. સમગ્ર ભારતમાં આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવ્યો છે. તેનો હેતુ ખુશી મનાવવાનો છે, હર્ષની લ્હાણી કરવાનો છે.પરંતુ આજે હોળીનો તહેવાર આપણી તકલીફ વધારનારો બની ગયો છે.પહેલાંના સમયમાં હોળીની ઉજવણી કુદરતી રંગોથી થતી હતી.તેમાં કેશુડા,હળદર,ગળી,મહેંદી,ગુલાલ,અબીલ વગેરે રંગો હતા.પરંતુ આજે ચાઈનિઝ સિન્થેટીક રંગો આવી ગયા છે.જે પર્યાવરણને હાનિ પહોંચાડે છે.પાકા રંગો કપડાંને નકામા બનાવી દે છે.સૌથી મોટી સમસ્યા તો એ છે કે આ રંગો ચામડીના અનેક પ્રકારના રોગો ઊભા કરે છે.ત્યારે સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિકના ડોક્ટરે આપેલ ટિપ્સથી રંગો સામે ચામડીનું રક્ષણ મળી રહેશે. હોળી એ એક એવો તહેવાર છે કે તમારી નામરજી હોય તો પણ તમારે તેની ઉજવણી કરવી પડતી હોય છે.મિત્રો આગ્રહ પૂર્વક લઇ જાય કે બળપૂર્વક કે અજાણતા કોઇ રંગી દે ત્યારે કુદરતી કે કૃત્રિમ રંગોના ભેદ પાડી શકાતો નથી.માથે પડયું સહન કરવાનું રહ્યું.કોઇ સાથે ઝઘડો ન કરાય આવા સંજોગોમાં તમારા ઉપર કૃત્રિમ રંગોનો છંટકાવ થવાનો છે એવી તૈયારી સાથે જ બહાર નીકળવું. ત્યારે ચામડી, વાળ, આંખો તથા નખને નુકસાન ન થાય એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. કોપર સલ્ફેટ,આયોડીન,લેડ ઓકસાઇડ,મરક્યુરી સલ્ફેટ વગેરે જેવા બજારમાં મળતા સિન્થેટીક રંગોમાં મેટલ તેમજ કાચનો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ હાનિકારક છે. તેને કારણે ચામડીમાં બળતરા થાય છે. એલર્જી, ખંજવાળ, લાલ ચકામા થવા, આંખોમાં બળતરા થવી, આંખો લાલ થઇ જવી,આંખોમાંથી પાણી પડવું,વાળ બરછટ અને સૂકા થઇ જવા જેવી તકલીફ થાય છે.જે લોકો ખીલ,ખરજવું,સોરાયસિસ,ખોડો જેવા ચામડીના રોગોથી પીડાતા હોય છે, તેમના રોગમાં આ સિન્થેટીક રંગોથી વધારો થાય છે. હોળી રમતા પહેલા આટલી વસ્તુનું ધ્યાન રાખો.. હોળી રમવા જતાં પહેલા ત્વચા ઉપર સનસ્ક્રીન અને મોઇસ્ચ્યુરાઇઝર વ્યવસ્થિત અને વધારે પ્રમાણમાં લગાવો.આંખો ઢંકાય એવા સનગ્લાસનો ઉપયોગ કરવો.લેન્સ પહેરતા હોય તો કાઢી નાખવા.વાળમાં કોપરેલ તેલ અથવા એરંડીયાના તેલનું માલીસ કરવું તથા વાળ ઉપર રૂમાલ અથવા ઓઢણી બાંધીને પછી રમવા જવું. હોઠ ઉપર લીપબામ,સનસ્ક્રીન અથવા મોઇસ્ચ્યુરાઇઝર લગાવવું.નખની અંદર રંગો ભરાઇ ના જાય માટે નખ કાપેલા રાખવા તેમજ નેઇલ પેઇન્ટ લગાવવું.જાડા સુતરાઉ કપડાં પહેરવા. હોળી રમ્યા પછી આટલી કાળજી રાખો.. સૌ પ્રથમ ડ્રાય કલર ખંખેરીને શરીર પરથી દૂર કરવો.ત્યાર પછી ૫-૧૦ મિનિટ શાવર નીચે ઉભા રહીને સ્નાન કરો.હૂંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ કુદરતી સાબુનો ઉપયોગ કરવો.વાળને શેમ્પુથી ધોવા તેમજ કન્ડીશનર કરવું અને તેલ લગાવવું.ચામડી પરથી રંગ દૂર ન થાય તો તેને બહુ ઘસવી નહિ.રંગ દૂર કરવા સ્ક્રબનો ઉપયોગ કરવો નહિ.કોઇપણ પ્રકારની બ્યુટી પ્રોસીઝર જેવી કે બ્લિચિંગ,વેસિંગ,થ્રેડીંગ,પ્લકિંગ,સ્ક્રબિંગ તેમજ ફેસીયલ કરવું નહિ. હોળી રમતા સમયે બાળકોએ આટલી કાળજી લેવી.. આ વર્ષે બધાં બાળકોએ હોળી રમવાનું ટાળવું જોઇએ.છતાં બાળકો જીદ કરે તો ફરજીયાત માસ્ક પેરીને ઘરના લોકો સાથે હોળી રમવી.હોળી રમતી વખતે સિન્થેટીક કલરની જગ્યાએ હર્બલ કલરનો ઉપયોગ કરવો જેથી બાળકોને આંખ અને ચાકડીમાં નુકશાન ન થાય.હોળી રમતા પહેલા શરીર પર મોઇસ્ચ્યુરાઇઝર અથવા તેલ લગાડવું જેથી ચામડી સુકી ન થાય અને નવડાવતી વખતે કલર ઝડપથી નીકળે.આંખના રક્ષણ માટે ચશ્મા પહેરી રાખવા.શરીરના ખુલ્લા ભાગમાં સન્સક્રીમ લોશન લગાવવું.કોઇ જગ્યાએ નાનો ઘા હોય તો પહેલા ત્યાં બેન્ડએડ અથવા ડ્રેસીંગ લગાડી રાખવું.પાણી ખૂબ પીવું જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય.હોળી રમીને આવ્યા પછી બાળકના વાળ અને ચામડી સાબુ અને શેમ્પુથી સાફ કરી પછી જ જમવા આપવું.હોળી રમ્યા પછી જો ચામડી પર કોઇ લાલ ચકામા દેખાય, ખજવાળ આવે, ઉધરસ ચાલુ થઇ જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ જણાય તો આપના ફેમીલી ડોકટરનો તુરંત સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..