મોટાભાઈને કોરોના અને ભાભીની કેન્સરની બીમારીની સારવાર પાછળ વેપારી વ્યાજના વિષચક્રમા ફસાતા ફીનાઇલ ગટગટાવ્યું હતું હળવદ : ચારેક દિવસ પૂર્વે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હળવદના મીઠાઈના વેપારીએ ફીનાઇલ ગટગટાવી લીધા બાદ સ્વસ્થ બનતા ગઈકાલે હળવદ પોલીસ મથકના 5થી લઈ 45 ટકા સુધી વ્યાજે નાણાં આપનાર 15 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાઈ અને ભાભીની બીમારી સબબ વેપારીએ વ્યાજખોરો પાસેથી 1.37 કરોડ રૂપિયા તોતિંગ વ્યાજે લીધા હોવાનું બહાર આવ્યું છે. હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના સોનીવાડ શીશુ બાલમંદીર સામે રહેતા અને એચડીએફસી બેંકની બાજુમાં અરિહંત મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા હિતેષભાઇ હિમંતલાલ શેઠે ગત તા.10 ના રોજ વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ ગટગટાવી લેતા પ્રથમ હળવદ બાદ મોરબી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર બાદ સ્વસ્થ બનતા ગઈકાલે હિતેષભાઇ હિમંતલાલ શેઠે 15 વ્યાજખોરો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસ મથકમાં હિતેષભાઇ હિમંતલાલ શેઠ દ્વારા જાહેર કરાયું હતું કે તેમના ભાઈને કોરોના થતા સારવાર માટે તેમજ તેમના ભાભીની કેન્સરની બીમારીના ખર્ચને પહોંચી વળવા 5 ટકાથી લઈ 10,15,30 અને 45 ટકા ઊંચું માસિક વ્યાજ ચૂકવી તેમને તથા તેમના ભત્રીજાઓએ આરોપી વ્યાજખોર (૧) લગધીરભાઇ રબારી રહે મુળ ઘ્રાગંઘ્રા હાલ રહે હળવદ તથા (૨) વિજયભાઇ રઘુભાઇ રબારી રહે હળવદ બસ સ્ટેન્ડ પાછળ તથા (૩) હિરેનભાઇ પટેલ રહે ટીકર તા હળવદ તથા (૪) વસંતભાઇ મોરી હળવદ ગો ગેસ એજન્સીના ભાગીદાર તથા (૫) તેજસભાઇ દવે જી માર્ટ ફર્નીચર હળવદ તથા (૬) જયરામભાઇ દલવાડી રહે લીલાપર ગામ તા હળવદ તથા (૭) પ્રભુભાઇ રબારી રહે.હળવદ તથા (૮) જીલાભાઇ ભરવાડ રહે.મીયાણી તથા (૯) હર્ષદભાઇ રબારી રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ તથા (૧૦) રવીભાઇ રબારી રહે હળવદ તથા (૧૧) મુકેશભાઇ ભરવાડ રહે. હળવદ સુનીલનગર તથા (૧૨) મનોજભાઇ રબારી રહે. હળવદ રબારી વાસ તથા (૧૩) લખમણભાઇ ભરવાડ રહે.માલણીયાદ ગામ તા હળવદ તથા (૧૪) ભરતસિહ ગોહીલ રહે.માનસર તથા (૧૫) કિરણભાઇ બ્રાહ્મણ રહે.હળવદ વાળાઓ પાસેથી એકાદ વર્ષ પહેલા વ્યાજે નાણાં લીધા હતા. વધુમાં ઉપરોક્ત વ્યાજખોરો ને મીઠાઈના વેપારી દ્વારા સમયાંતરે વ્યાજ સહિત નાણાં ચૂકવવા છતાં પણ મુદ્દલ રકમથી વધુ નાણાંની ઉઘરાણી કરી આરોપીઓ દ્વારા અવાર નવાર દુકાને આવી, ઘરે આવી તેમજ ફોનમાં ગાળા ગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા હોય તેમને ફીનાઇલ ગટગટાવી લીધી હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું. વધુમાં આ ચકચારી વ્યાજખોરી કેસ મામલે હળવદ પોલીસે તમામ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨),તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ ૨૦૧૧ ની કલમ પ,૩૩(૩),૪૦,૪૨ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.