મોરબીથી નેપાળ મોકલવાયેલ 5775 લેમીનેટ્સ શીટ નિયત સમય વીતવા છતાં ઉત્તરપ્રદેશના ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : મોરબીની પેઢીએ 5775 લેમીનેટ્સ શીટ ટ્રાન્સપોર્ટર મારફતે નેપાળ મોકલાવ્યા બાદ નિયત સમયમાં ટ્રક ચાલક નેપાળ ન પહોંચતા ટ્રક ચાલકે આચરેલી અડધા કરોડથી વધુની છેતરપિંડી મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં જોબવર્કથી પ્લાયવુડ અને લેમીનેટ્સ સીટ બનાવડાવી સપ્લાય કરવાનું કામ કરતી કઝારીયા પ્લાયવુડ નામની પેઢીના મેનેજર દીપકભાઇ મનસુખભાઇ ઘોડાસરાએ ઉત્તરપ્રદેશ આઝમગઢના ગોપાલપુર સરદહા બજાર, મહારાજ ગંજ ખાતે રહેતા ટ્રક ચાલક દીલીપકુમાર અભીમન્યુ સીંગ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરી અડધા કરોડથી વધુ કિંમતની લેમીનેટ્સ શીટ નેપાળ નહિ પહોંચાડી હડપ કરી જવા મામલે ફરિયાદ નોંધાવી છે. વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે તા.25 ફેબ્રુઆરીના રોજ મોરબીથી 5775 નંગ લેમીનેટ્સ શીટ કિંમત રૂપિયા 51,97,544 કેશરીચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે પહોચાડવા માટે શર્મા ટ્રાન્સપોર્ટરના માધ્યમથી ટ્રક નં. યુપી -50-સીટી-087મા ભરી મોકલાવેલ હતો. પરંતુ આરોપી ટ્રક ચાલકે આજદિન સુધી કેશરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે લેમીનેટ્સ શીટ નહી પહોચાડી મોરબીની કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૭ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.