રમતોત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું મેડલ આપી સન્માન કરાયું ટંકારા : સજનપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ માટે શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષકોએ વાલીઓને વિદ્યાર્થીઓને ઘરે કેવી રીતે પરીક્ષાની તૈયારી કરાવવી તેમજ બાળકોના સ્વાસ્થય અંગે કાળજી લેવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.શાળાએ યોજેલ રમતોત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સજનપર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા તમામ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ માટે શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ SMCના સભ્યોએ હાજરી આપી હતી. ધોરણ 1 થી 8ના તમામ શિક્ષકોએ પોતાના વિષય મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે ઘરે પરીક્ષાની તૈયારી કરાવવી તેમજ બાળકોના સ્વાસ્થ્ય અંગે શુ કાળજી રાખવી એ બાબતોની વિસ્તૃત સમજૂતી આપી હતી.તેમજ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ શાળાને લગતી તમામ બાબતો અંગેની માહિતી આપી હતી. આ તકે ખાસ ઉપસ્થિત સજનપરનું ગૌરવ સમાન ગામના દીકરી શીતલબેન રૈયાણી જેઓ હાલ GST Inspector તરીકે ફરજ બજાવે છે. તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને ગામની સરકારી શાળામાં જ ભણાવવા અંગે ટકોર કરી હતી.તેમજ આ તકે ખાસ ઉપસ્થિત શૈલેષભાઇ સાણજા કે જેઓ લજાઈ Crc Co-Ordinator છે.તેમણે પોતાના અનુભવોની વાલીઓ સાથે ચર્ચા કરી હતી.તમામ વાલીઓએ શાળાના શિક્ષકોને પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી તેમજ આવા સુંદર વાલી સંમેલનના આયોજન બદલ શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ગામના સરપંચ રીનાબેન જાદવે પણ શાળા પરીવારને અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે શાળાએ યોજેલ રમતોત્સવમા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.