રવિવારે વહેલી સવારે એક ટ્રક બીજા ટ્રક પાછળ ઘુસી ગયો હળવદ : હળવદ હાઈવે ઉપર ઢવાણા ચેકપોસ્ટ પાસે રવિવાર વહેલી સવારે ધ્રાંગધ્રા તરફથી આવતી ટ્રક માળીયા તરફ જતી ટ્રકની પાછળ ઘુસી જતા એકનું મોત નિપજ્યું હતું. બનાવની જાણવા મળતી વિગત મુજબ રવિવારે વહેલી સવારે હળવદ હાઈવે ઉપર આવેલ ઢવાણા ચેક પોસ્ટ પાસે ધાંગધ્રા તરફથી આવતી ટ્રક માળીયા તરફ જતી ટ્રક પાછળ ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર સંપત્તિસિંહ સુરાવત ઉંમર વર્ષ 29ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જો કે, સારવાર મળે તે પહેલાં જ ટ્રક ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ટ્રકને રોડ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.