ત્રણથી દસ ટકા એન્ટી ડંપિંગ ડ્યુટી લાગે તેવા સંકેત : યુરોપિયન સિરામીક ઉત્પાદકોની ફરિયાદને પગલે મોરબી માટે મુશ્કેલી મોરબી : મોરબી સિરામીક ક્લસ્ટર દ્વારા યુરોપના દેશોમાં થતી સિરામીકની નિકાસ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી લાગવાના સંકેતોને લઈ મોરબી સિરામીક ઉદ્યોગકારો વધુ એક મુસીબતમાં મુકાયો છે. હાલમાં વર્ષે દહાડે 3500 કરોડ રૂપિયાની સિરામીક પ્રોડકટની નિકાસ યુરોપિયન દેશોમાં કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને પગલે ચીનના વૈશ્વિક વિરોધ બાદ સમગ્ર વિશ્વમાં મોરબીનો સિરામીક ઉદ્યોગ છવાઈ ગયો છે. મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુરોપિયન દેશોમાં વર્ષે દહાડે અંદાજે 3500 કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવે છે ત્યારે વર્તમાન સ્થિતિમાં યુરોપિયન ટાઇલ્સ મેન્યુફેક્ચર ફેડરેશન દ્વારા ભારત દ્વારા સસ્તા દરે ટાઇલ્સ વેચવામાં આવતી હોવાની ફરિયાદ કરતા આ મામલે તપાસ શરૂ થઈ છે. જો કે બીજી તરફ હાલમાં યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હોય એન્ટી ડંપિંગ ડ્યુટીનો મુદ્દો થોડો સાઈડ લાઇન થયો છે. મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા કહે છે કે હાલમાં યુરોપના દેશોમાં અંદાજે 3000થી 3500 કરોડ રૂપિયાની ટાઇલ્સની નિકાસ થઈ રહી છે. સ્થાનિક ઉત્પાદકોને જોરદાર હરીફાઈ આપી મોરબી સારી ક્વોલિટીની ટાઈલ્સ, વિશાળ ફોર્મટમાં આપવા ઉપરાંત નીચા દરે વિવિધ ડિઝાઈન મોરબી પૂરું પાડી રહ્યું હોય યુરોપમાં ભારતીય પ્રોડક્ટને પસંદ કરવામાં આવે છે. મોરબીથી સ્પેન, ઇટાલી, રોમાનિયા, હંગેરી, પોલેન્ડ વગેરેમાં નિકાસ કરવામાં આવી રહી છે. એન્ટી ડંપિંગ ડ્યુટી મામલે અગ્રણી નિકાસકાર નિલેશભાઈ જેતપરિયા કહે છે કે, ગલ્ફના દેશોએ એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી નાખ્યા બાદ તે દેશોમાં નિકાસ અડધી થઈ ગઈ છે. ગેસના ભાવને કારણે પડતર કિંમત ઉંચી ગઈ છે જેથી હવે એન્ટી ડંપિંગ ડ્યુટી આવે તો નિકાસમાં સમસ્યા આવે તેમ છે. જો કે, તેમને વર્તમાન સમયમાં યુરોપમાં યુક્રેન યુદ્ધને લઈ એન્ટી ડંપિંગ ડ્યુટીનો પ્રશ્ન સાઈડલાઈન થયો હોવાનું તેમજ અંદાજે 3થી 10 ટકા ડ્યુટી લાગે તેવી શક્યતા હોવાનું તેમને ઉમેર્યુ હતું.