જુના બસ સ્ટેન્ડ નજીક સીરામીક વેપારીની નજર ચૂકવીને લૂંટ કરનાર બે ગઠિયાને રાજકોટ પોલીસે ઝડપી લીધા મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે કારમાંથી રૂ. 15 લાખની તડફંચી થયાની ઘટના સામે આવી હતી જેમાં બે ગઠિયાઓએ સીરામીક વેપારીને ઈશારો કરી તમારા પૈસા નીચે પડ્યા હોવાનું કહીને કારમાં રહેલા રૂ.15 લાખ ભરેલા થેલાની. ચીલ ઝડપ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે પોલીસે નાકાબંધી કરતા બનાવની ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપીઓ રાજકોટની પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.જો કે અન્ય બે આરોપીઓ પણ સામેલ હોવાનું અને 15 લાખ માંથી રકમમાંથી બે લાખ લઈ નાસી ગયાનું બહાર આવ્યું છે. મોરબીમાં સીરામીક ટ્રેડિગનો વ્યવસાય કરતા અને મોરબીના જીઆઇડીસી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ચંદુભાઈ સંઘાણી ઉ.વ.32 નામના વેપારી આજે સવારે જુના બસ સ્ટેન્ડ નજીક કાર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની પાસે સીરામીક ટ્રેડિગના રૂ. 15 લાખ રોકડા થેલામાં ભરીને કારની પાછળની સીટમાં રાખ્યા હતા જો કે જુના બસ સ્ટેન્ડ પાસે કામ હોવાથી કાર ઉભી રાખીને કારમાં જ બેઠા હતા. તે સમયે બે શખ્સોએ ઈશારા વડે તમારા પૈસા નીચે પડ્યા હોવાનું કહેતા સીરામીક વેપારી કારમાંથી જેવા નીચે ઉતર્યા કે તરતજ જ બન્ને શખ્સો તેમની કારની પાછળની સીટમાં રાખેલા રૂ.15 લાખ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા એસપી એસઆર ઓડેદરાની સુચનાને પગલે એલસીબી અને એસઓજી તેમજ એ ડિવિજન પોલીસ હરફતમાં આવીને તપાસમાં લાગી હતી. આ બનાવને પગલે નાકાબંધી કરી હતી અને બન્ને શખ્સો રાજકોટ તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા રાજકોટની પ્રનગર પોલીસે બન્ને શખ્સોને દબોચી લીધા હતા. વધુમાં રાજકોટ પોલીસને હાથે ઝડપાયેલા બે આરોપીઓમાં એકનું નામ સુબ્રમણ્યમ સુધૈયા નાયડુ ઉ.50 અને બીજાનું નામ ગણેશ સુબ્રમણ્યમ નાયડુ હોવાનુ ખુલ્યું છે. પકડાયેલા બન્ને આરોપી પાસેથી 13 લાખની રોકડ કબ્જે કરવામાં આવી છે અને અન્ય બે આરોપી બાકીના નાણાં લઈને નાસી ગયા હોવાની આરોપીઓએ કબૂલાત આપતા રાજકોટ પોલીસે બન્ને આરોપીઓને મોરબી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.