સૌથી વધુ મોરબી ડિવિઝનમાં વીજચોરી, બીજા નંબરે હળવદ અને વાંકાનેર ત્રીજા ક્રમે મોરબી : ઔદ્યોગિક રીતે સમૃદ્ધ ગણાતો મોરબી જિલ્લો વિકાસની સાથે સાથે વીજચોરીમાં પણ આગળ પડતો રહ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. જેમાં મોરબીમાં માત્ર દસ જ મહિનામાં 15 કરોડની વીજચોરી ઝડપાઇ છે. જે દર્શાવે છે કે વીજ વપરાશમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અવ્વલ રહેલા મોરબી જિલ્લામાં વધારે વીજચોરી થાય છે અને મોરબી જિલ્લામાં દસ મહિનામાં વિજચોરીના 4200થી વધુ કિસ્સા સામે આવ્યા છે. સૌથી વધુ મોરબી તાલુકામાં વીજચોરી અને બીજા નંબરે હળવદ તેમજ વાંકાનેર ત્રીજા ક્રમે રહ્યું છે. મોરબી પીજીવીસીએલ અધિકારીના જણાવ્યા મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વીજળીનો વપરાશ થાય છે. મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે સમૃદ્ધ હોવાથી વીજળીનો વધુ વપરાશની સામે વીજચોરીનું પણ દુષણ વધ્યું છે. આથી વારંવાર ઔદ્યોગિક, ઘરેલુ તેમજ વાણિજ્ય હેતુના વીજ જોડાણમાં ગેરરીતિ સબબ વીજ ચેકિંગ ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. જેમાં મસમોટી રકમની વીજચોરી સામે આવે છે. આ રીતે ગત વર્ષના એપ્રિલથી ચાલુ વર્ષના જાન્યુઆરી સુધી એટલે દસ મહિનામાં પકડેલી વીજચોરીની વિગત જોઈએ તો મોરબી, વાંકાનેર અને હળવદ એમ ત્રણ ડિવિઝનમાં અધધધ 15 કરોડની વીજચોરી પકડાઈ હતી. દસ મહિનામાં મોરબી, વાંકાનેર અને હળવદ એમ ત્રણ ડિવિઝનમાં વિજચોરીના 4200થી વધુ કિસ્સા સામે આવ્યા છે. જેમાં હળવદ ડિવિઝનમાં 5.13 કરોડ, મોરબી ડિવિઝનમાં 6.24 કરોડ, વાંકાનેર ડિવિઝનમાં 3.60 કરોડની વીજચોરી પકડાઈ હતી. ટોટલ 4200 થી વધુ વીજ જોડાણમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.જેમાં હળવદમાં 1600, મોરબીમાં 1600, વાંકાનેરમાં 1 હાજર જેટલા વીજ જોડાણનો સમાવેશ થાય છે. આ રીતે વધુ વીજચોરી પકડાઈ હોવાથી વિજતંત્ર દ્વારા વિજચોરીને કડક હાથે ડામી દેવા પૂરતા પ્રયાસો કરાતા હોવાનું તેમણે જણાવ્યું હતું.