સંભવિત 11 માર્ચની આસપાસ ખેલ મહાકુંભ યોજાશે, હજુ 6 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવવાની તક મોરબી : ઉધોગ સાહસિકતાની સાથે હવે મોરબી જિલ્લો રમત ગમત ક્ષેત્રે પણ મેદાન મારી રહ્યો છે.ત્યારે મચ્છુના હોનહાર ખમીરને દેશ અને ઇન્ટરનેશનલ લેવલે ઉત્કૃષ્ઠ પ્રદાન કરવામાં યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં આગામી સમયમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભ સંભવિત 11 માર્ચની આસપાસ યોજાશે. જેના માટે અત્યાર સુધીમાં જિલ્લાના 25109 ખેલાડીઓની નોંધણી કરાવી દીધી છે. મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજનાર ખેલ મહાકુંભને લઈને અનેક રમતવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરવા માટે મોટાભાગના ખેલાડીઓ રજિસ્ટ્રેશન સહિતની તૈયારીઓ કરી લીધી છે અને મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 25109 ખેલાડીઓની નોંધણી છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ હળવદ તાલુકાના 11226 ખેલાડીઓ નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા માળીયા તાલુકામાં 447 ખેલાડીઓ નોંધાયા છે. આ ઉપરાંત મોરબી તાલુકામાં 6547, ટંકારા તાલુકામાં 1724 અને વાંકાનેર તાલુકામાં 5165 ખેલાડીઓ નોંધાયા છે. જો કે હજુ ખેલ મહાકુંભમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરવા માટે છેલ્લી તારીખ 6 માર્ચ છે. ત્યાં સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે અને આ ખેલ મહાકુંભમાં એપ્રિલ સુધી ચાલશે.