03 માર્ચ : ઉદ્યોગ જગતના ભીષ્મપિતા તરીકે ઓળખાતા જમશેદજી ટાટાની આજે જન્મજયંતિ દેશની વિભૂતિ ગણાતા જમશેદજી ટાટા, જે ઉદ્યોગ જગતના ભીષ્મપિતા તરીકે પણ સમગ્ર દેશમાં ખ્યાતી ધરાવે છે. જેઓ ગુજરાતના નાનકડા શહેર નવસારીમાં 1839ની 3 માર્ચે જન્મ્યા હતા અને તેમનું અવસાન 19 મે, 1904ના રોજ જર્મનીમાં થયું હતું. જ્યારે કામદારોને લગતા કોઇપણ કાયદા ન હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ રાખનાર ઉદ્યોગપતિ જમશેદજીએ જમશેદપુરનું નગર કેવી સુવિધાવાળું હોવું જોઇએ તેની પૂર્વ કલ્પના તેમણે કરેલી હતી. આથી, તેઓ તેમના જમાના કરતાં જોજનો આગળ હતા તેમ કહી શકાય. જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદ વચ્ચે સારા સંબંધ હોવાનો પ્રસંગ ઇતિહાસમાંથી મળે છે. ઉદ્યોગપતિ જમશેદજી ટાટાને સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્રના વિશ્વના નકશા ઉપર સ્થાન મેળવ્યું હોય તો તેણે જાપાનની જેમ અનુશાસનપ્રિય અને વિજ્ઞાનપ્રિય પણ બનવું પડશે. જમશેદજી ટાટા સવામીજીના આવા વિચારોથી ઘણા જ પ્રભાવિત થયા હતા. જમશેદજીએ 23 નવેંબર, 1898 એ એક પત્ર સ્વામી વિવેકાનંદને લખ્યો હતો. સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં સહભાગી થવા ભારતથી અમેરિકા જવા નીકળ્યા ત્યારે એ જ વહાણમાં ભારતના ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પણ હતા. જમશેદજી જાપાન જઈ રહ્યા હતા. એ પ્રવાસમાં સ્વામીજી અને જમશેદજી વચ્ચે ભારતમાં ઉદ્યોગ-વિજ્ઞાનની સ્થિતિ તેમજ અધ્યાત્મ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હશે, એ આ પત્રથી સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રિય સ્વામી વિવેકાનંદ, આશા છે, આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહયાત્રી યાદ હશે જ. આપે વ્યક્ત કરેલા વિચારો હજુ મારા મગજમાં પડઘાઈ રહ્યા છે. આપે કહેલું કે ભારતવર્ષમાં ત્યાગ, તપસ્યાની જે લાગણી ફરી જાગ્રત થઈ રહી છે, તેને રચનાત્મક કાર્યો દ્વારા વધારે સક્રિય બનાવવાનો આપણો હેતુ છે. મારા પ્રમાણે જો એવા આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે કે જ્યાં ત્યાગનું વ્રત ધારણ કરનારા લોકો સારું જીવન વ્યતીત કરે, તો ત્યાગ ભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કંઈ હોઈ શકે? મારો વિચાર છે કે આ ધર્મયુદ્ધની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે, તો તેમાં ધર્મ અને વિજ્ઞાન, બંનેની ઉન્નતિ થશે અને આપણા દેશની ખ્યાતિ પણ ફેલાશે. એ અભિયાનને વિવેકાનંદ સિવાય બીજું કોણ નેતૃત્વ આપી શકે? આ દિશામાં જનજાગૃતિ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ આપ પોતાની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખો, તેના પ્રકાશનના ખર્ચનો તમામ ભાર હું સહર્ષ ઉપાડી લઇશ. સસન્માન, આપનો જમશેદ એન. ટાટા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..