બન્ને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે બેલારુસ બૉર્ડર પર શાંતિવાર્તા શરૂ મોરબી : રશિયાના યુક્રેન ઉપર હુમલાના પાંચમા દિવસે હવે આ યુદ્ધના અંત તરફ એક પગલું આગળ વધ્યું હોય તેવા સંકેતો વચ્ચે બન્ને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે બેલારુસ બૉર્ડર પર શાંતિવાર્તા શરૂ થઈ છે. સમાચાર સંસ્થા બીબીસીના અહેવાલ મુજબ રશિયા દ્વારા છેલ્લા પાંચ દિવસથી યુક્રેન ઉપર હુમલા ચાલુ રાખી રાજધાની કિવ સહિતના યુક્રેનના વિસ્તાર ઉપર કબજો કરવાના દાવા વચ્ચે આજે બેલારુસ સરહદે બન્ને દેશના પ્રતિનિધિ મંડળ વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થઈ છે. જેમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક સીઝફાયર અને રશિયન સેનાની યુક્રેનમાંથી વાપસી ઈચ્છી રહ્યા છે. જ્યારે રશિયા તરફથી આ શાંતિ મંત્રણમાં જણાવાયું છે કે મૉસ્કો એક એવા કરાર સુધી પહોંચવા માગે છે, જેનાથી બન્ને દેશોને ફાયદો થાય.બેઠક શરૂ થાય તે પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયન સૈનિકોને હથિયાર મૂકી દેવા કહ્યુ હતું અને યુરોપીયન યુનિયનમાં યુક્રેનને સભ્યપદ અપાય તેવી માગ ઈયૂ સમક્ષ મૂકી હતી.