અયોધ્યાપુરી રોડ ઉપર આસ્વાદ પાન નજીક ટ્રાફિક પોલીસ અને સિટી એ ડિવિઝન પોલીસનું સયુંકત ઓપરેશન : ક્રેટા સહિત 5,36,000નો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર સિટી ટ્રાફિક પોલીસે કાળા કાચ વાળી ક્રેટા કારને રોકતા કાર ચાલકે મુઠ્ઠીઓ વાળી હતી બાદમાં સિટી એ ડિવિઝન પોલીસને બોલાવી કાર ચેક કરતા કારમાંથી 36 હજારની કિંમતની 180 એમ.એલ. વોડકાની બોટલનો જથ્થો ઝડપાતા પોલીસે 5,36,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ટ્રાફિક એ.એસ.આઈ. સુરેશભાઈ છૈયાએ કાળા કાચ વાળી નંબર વગરની ક્રેટા કાર નીકળતા રોકવા કોશિશ કરતા કાર ચાલક ઉતરીને નાસી છૂટ્યો હતો. બાદમાં ટ્રાફિક એએસઆઈ સુરેશભાઈએ એ ડિવિઝનને ફોન કરી બોલાવતા પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ દેવશીભાઇ કરોતરા સહિતનો પોલીસ કાફલો આસ્વાદ પાન પાસે પહોંચી નંબર વગરની સફેદ ક્રેટા કાર ચેક કરતા કારમાથી ભારતીય બનાવટની વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવર ફોર સેલ ઇન રાજસ્થાન લખેલી 180 મીલીની બોટલો નંગ-240 કિંમત રૂપિયા 36000નો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે 36 હજારનો દારૂ અને 5 લાખની કિંમતની ક્રેટા કાર મળી 5.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ક્રેટા કારના ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટની કલમ ૬૫એ.ઇ, ૧૧૬બી,૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી ક્રેટા કારના ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.