મેણા ટોણા મારનાર સાસરિયાઓએ પરિણીતાને રિસામણે મોકલવા ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ગુન્હો દાખલ મોરબી : મોરબીના વાવડી ગામ નજીક આવેલી વાટીકા સોસાયટીમાં રહેતા પરિણીતાને માનસિક ત્રાસ આપી ફીનાઇલ પીવા મજબુર કરનાર પતિ, કૌટુંબિક જેઠ તેમજ સાસુ અને સસરા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘરેલુ હિંસાના આ કેસમા વાવડી ગામ નજીક વાટીકા સોસાયટીમાં રહેતા ભાવનાબેન સુનીલભાઇ ચાવડા નામના પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સુનીલભાઇ મોહનભાઇ ચાવડા, સસરા મોહનભાઇ રાણાભાઇ ચાવડા, સાસુ કુંવરબેન મોહનભાઇ ચાવડા અને શકત શનાળા રહેતા કૌટુંબીક જેઠ રવીભાઇ ઘનાભાઇ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુમાં પતિ સહિતના સસરિયાઓ દ્વારા ખાવા પીવા, કપડા પહેરવા ઓઢવા બાબતે માનસિક ત્રાસ આપી તેમજ અવાર નવાર નાની - નાની બાબતે મેણા ટોણા મારી પરાણે રીસામણે મોકલી છુટા છેડાની ધમકી આપતા ભાવનાબેને જાતે ફીનાઈલ પી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. બનાવ અંગે મોરબી મહિલા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮(ક),૧૧૪ મુજ્બ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.