હિંગના વધારથી હવનની વાત, ઉપહારનો અસ્વીકાર, ઉતરાપથમાં ધર્મ ધોષણા અને દિલ્હી દરબારમાં દસ્તક અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે મુંબઈમાં લગભગ પોણા પાંચ મહિના નિવાસ કરીને તથા ભારતીય સુધાર આંદોલન અને વૈદિક ધર્મની પુનઃ સ્થાપના તેમજ અભિવૃદ્ધિ માટે આર્યસમાજની સ્થાપના કરીને સ્વામી ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે વગેરેના આમંત્રણથી પૂના જવા ઊપડ્યા.સંવત ૧૮૩૧ જેઠ વદ ૧૪, શુક્રવાર (૨ જુલાઈ, ૧૮૭૫)ના રોજ સ્વામી પૂના પધાર્યા અને વિઠ્ઠલપેઠમાં શંકરશેઠના ઘેર નિવાસ કર્યો. પૂનામાં સ્વામીનાં ૫૦ પ્રવચનો નગર અને કેમ્પમાં થયાં હતાં.તેમાં પંદર પ્રવચનો નગરમાં થયાં હતાં,જે લિપિબદ્ધ કરવામાં આવેલ.તેનું પુસ્તક ‘ઉપદેશ મંજરી’ આજે પણ પ્રાપ્ય છે.આ પ્રવચનોથી સ્વામીની વિદ્વતાની સર્વત્ર ધૂમ મચી ગઈ.સ્વામીની પ્રવચન માળાના અંતિમ પ્રવચનમાં પોતાનું આત્મકથન પ્રસ્તુત કરેલ તે પ્રવચનના અંતમાં તેઓએ પોતાના ધર્મપ્રચાર કાર્યની સમીક્ષા કરતા કહ્યું હતું કે : ‘‘આર્યધર્મની ઉન્નતિ થાય તે માટે મારા જેવા ઘણા બધા ધર્મોપદેશકો આપણા આ દેશમાં ઉત્પન્ન થવા જોઈએ. એકલા હાથે આ કામ બરાબર થઈ શકે નહિ, તેમ છતાં મારી બુદ્ધિ પ્રમાણે અને મારા સામર્થ્ય અનુસાર મેં જે દીક્ષા લીધી છે, તેને ચલાવીશ એવો ને સંકલ્પ કર્યો છે.” ત્યારબાદ સ્વામીએ અંતમાં આશીર્વાદાત્મક વાક્યનું ઉચ્ચારણ કરતાં કહ્યું કે; ‘‘અંતમાં ઈશ્વરને પ્રાર્થના કરું છું કે,આર્યસમાજની સર્વત્ર સ્થાપના થાય, દુષ્ટ આચાર દૂર થાય, વેદશાસ્ત્રનો સાચો અર્થ સર્વની સમજમાં આવે અને તે પ્રમાણે આચરણ થઈને દેશની ઉન્નતિ થાય. તમારા સર્વના અંતઃકરણપૂર્વકની સહાયથી એ કાર્ય સિદ્ધ થશે એવી પૂર્ણ આશા છે.” રાજા સર ટી. માધવરાવની વિનંતીથી સ્વામીએ એક વાર કેદારેશ્વર મંદિરમાં રાજધર્મ વિશે વ્યાખ્યાન આપેલું.આ વ્યાખ્યાનથી રાજા માધવરાવ ખુશ થયા અને કહ્યું, “મહારાજ, આપ તો રાજનીતિમાં અમારા કરતાં યે વધુ નિપુણ છો.એમણે દંડવત કર્યાં અને સ્વામીને ભોજન માટે આમંત્ર્યા.ભોજન પછી એમણે ચાંદીના પૂરા એક હજાર રૂપિયા સ્વામી સમક્ષ ભેટ માટે ધર્યા. સ્વામી એ કલદાર જોઈ રહ્યા. એને સ્પર્શ પણ કર્યો નહિ. પછી કહે, ‘‘મહાશય, ભૂલ થાય છે. હું આ લઉં ? ન બની શકે એ. હું તો આ રૂઢિનું ખંડન કરું છું. હું ગોસાંઈ નથી. આ કંઈ લાલબાવાની પધરામણી નથી !'' સ્વામીએ રાજધર્મ સમજાવ્યો. રાજા, પ્રધાન અને પ્રજાનાં કર્તવ્ય સમજાવ્યાં. પ્રજાપાલન,બાળવિવાહનિષેધ,શિક્ષણપ્રચાર સમજાવ્યાં. સ્વામીએ કહ્યું, ‘‘જો ભારતવાસીઓ લાયક થશે તો વિદેશીઓ જાતે જ એને વહીવટ સોંપીને પોતાના દેશભેગા થઈ જશે.”આ ધટનાથી બિજા બેક ધટના યાદ આવી જેમા ફરૂકાબાદના મેજીસ્ટ્રેટ સ્કોટ સાહેબને મહર્ષિ ઉપર ભારી મમતા જામી.વ્યાખ્યાનો કદિ ચૂકે નહિ, અને વ્યાખ્યાન બંધ હોય તે દિવસ દર્શન ભૂલે નહિ. ફરૂકાબાદની બજારમાં એક સડક પહોળી થઈ રહી હતી.સડકને કાંઠે એક મઢી હતી. એ મઢીમાં લોકો હમેશાં ધૂ૫દીવો કરતા હતા.અંધશ્રદ્ધાળુ આર્યસમાજએ આવીને સ્વામીને સૂચવ્યું કે “મહારાજ, સ્કોટ આપને અત્યંત આધીન બની ગયા છે, એમને લગાર ઈસારો કરો તો લોકોના વહેમોને નાહક પોષી રહેલી આ મઢીને સહેલાઈથી ઉખેડી શકાશે.'સ્વામીએ કોચવાઇને ઉત્તર વાળ્યોઃ 'બંધુ આવી ઉંધી મોંપાટ મને કાં લેવરાવો ? એ તો નીચતાનો રસ્તો કહેવાય. મુસલમાન બાદશાહોએ સેંકડો મંદિરને મૂર્તિઓ સાથે જમીનદોસ્ત કરી નાખ્યાં, તો યે તેએા મૂર્તિ-પૂજાને અટકાવી નથી શક્યા એ વાત કાં ભૂલી જાઓ ! આપણું કામ તો ભાઈ, મનુષ્યોના હૃદય-મંદિરમાંની મૂર્તિઓને હટાવવાનું છે, ઇંટ-પત્થરનાં દેવાલયો તોડવાનું નહિ.' મુરાદાબાદના પાદરી પાર્કર સાહેબે મહર્ષિ સાથે પંદર દિવસ સુધી ધર્મ-ચર્ચા ચલાવી. છેલ્લો સવાલ એ હતો કે “સૃષ્ટિ સરજાઈ ક્યારે ?' પાદરી કહે 'પાંચ હજાર વર્ષો પૂર્વે.' બાજુના ખંડમાંથી એક બિલોરી પત્થર લાવીને મહારાજે શ્રોતાઓની સન્મુખ ધર્યો.બ્રિટિશ ઈન્ડીઅન એસોસીએશનના સભાસદો બેઠા હતા તેમને સ્વામીએ પૂછ્યું 'આપ તો ભૂસ્તર વિદ્યાના પારગામી છો.કૃપા કરીને કહો જોઉં,આ પત્થરને આ દશાએ પહોંચતાં કેટલો કાળ લાગ્યો હશે ?' 'એક લાખ વર્ષો.' વિદ્વાન ગોરાઓએ ઉત્તર દીધો. 'તો હવે બોલો પાદરી મહાશય, સુષ્ટિ સરજાયે પાંચ જ હજાર વર્ષ થયાં હોય તો આ પત્થર ક્યાંથી આવી પડ્યો ?' પાદરીની જીભના લોચા વળવા લાગ્યા. સર સૈયદ અહમદ નામના ખાનદાન,જ્ઞાન-પિપાસુ મુસ્લીમ સજ્જને એક વાર સ્વામીને પ્રશ્ન કર્યો 'મહારાજ,બીજી વાતો તો ઠીક,પરંતુ થોડાએક હવનથી આખી હવા પવિત્ર બની જાય,એ વાતનો ઘુંટડો મારે ગળે નથી ઉતરતો.'સ્વામીએ સામે સવાલ કર્યો 'સૈયદ મહાશય,આપને ઘેર રોજ કેટલાં માણસોની રસોઇ રંધાય છે ?'' પચાસથી સાઠની.એટલાને માટે રોજ કેટલી દાળ ઓરો છો ?' છ સાત શેર.''એટલી દાળમાં હીંગ કેટલી નાખો છો? બહુ તો રૂપિયા ભાર.એમ કેમ ? એટલી થોડી હીંગ આટલી બધી દાળને શી રીતે સુવાસિત કરી શકે ? બેશક, એ તો કરે છે જ. તો પછી, ખાં સાહેબ, થોડીએક હીંગની માફક થોડોએક હવન પણ ઘણી મોટી હવાને શુદ્ધ કેમ ન કરી શકે ! મુસ્લીમે કાન પકડીને કબૂલ કરી લીધું. પુનાથી સતારા, મુબઈ, વડોદરા, વલસાડ, વસઈ અને ફરી મુબઈ અહીંથી ઈન્દોર, ફરૂખાબાદ, કાશી, જોનપુર, અયોધ્યા, લખનૌ, શાહજહાંપુર, મુરાદાબાદ અને અહીંથી દિલ્હી આવે છે. સન્ ૧૮૭૭ની પહેલી જાન્યુઆરીએ દિલ્હીમાં મહારાણી વિક્ટોરિયાને ભારતની રાજરાજેશ્વરી સામ્રાજ્ઞી જાહેર કરવાના ઉપલક્ષ્યમાં વાઈસરૉય લૉર્ડ લિટને એક શાહી દરબારનું આયોજન કર્યું હતું. સ્વામીને આ સમાચાર મળ્યા.જે મહાપુરુષે સંસારભરને સત્ય સંભળાવવાનું બીડું ઝડપ્યું હતું, તેને માટે આ સુઅવસર હતો.જેથી સ્વામીએ સ્વયં દિલ્હી જવાની અને કર્ણવાસના ક્ષત્રિય ભક્તો મુકુંદસિંહ વગેરેને ત્યાં પહોંચવાની અને તૈયારી કરવાની સૂચના આપી.સ્વામીના દિલ્હી દરબારમાં જવાના બે ઉદ્દેશ્ય હતા : એક તો આ દરબારમાં ભારતના રાજા-મહારાજાઓ, સામંતો અને ધનવાન શેઠ—સાહુકારો અહીં એકત્ર થશે.તેઓને સત્ય વૈદિક ધર્મનો સંદેશ આપીને તેઓના હૃદયમાં વૈદિક ધર્મ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરીને તેઓનો સુધાર કરવામાં આવે.કારણ કે તેઓના સુધારથી સામાન્ય પૂજામાં તેનું અનુસરણ થતું હોવાથી અલ્પ પ્રયત્ને સુધારો થઈ શકે છે.બીજો ઉદ્દેશ્ય એ હતો કે આ દરબારમાં પધારેલા ભારતના ધર્મિચાર્યો...