મોરબી: મોરબી શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ માટે ફરજિયાત એવું ફૂડ લાયસન્સ મેળવવા ઓનલાઈન અરજી કરવા માટેના એક ખાસ કેમ્પનું આયોજન આગામી 2 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા ફૂડ અધિકારીના માર્ગદર્શન હેઠળ ટાઉન હોલ મોરબી, મોરબી નગરપાલિકા ખાતે આગામી તારીખ 2 માર્ચ ને બુધવારના રોજ સવારે 10 વાગ્યે આ કેમ્પ યોજાશે. જેમાં ફૂડ લાયસન્સ મેળવવા ઓનલાઈન અરજી કરવા ઇચ્છતા વેપારીઓએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે. અરજી કરવા માટે વેપારીઓએ બે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધારકાર્ડ, પાનકાર્ડ, રહેઠાણનો પુરાવો, ધંધાનાં સ્થળનો પુરાવો, ટર્ન ઓવરની વિગત વગેરે સાથે લાવવાનું રહેશે. તેમજ ઈ-મેઈલ આઈડી, ઓનલાઇન પેમેન્ટ માટે ગૂગલ પે અથવા ફોન પેની વિગતો આપવાની રહેશે. ફૂડ લાયસન્સ માટે એક વર્ષની ફી રૂપિયા 100 જ્યારે પાંચ વર્ષની ફી રૂપિયા 500 રાખવામાં આવી છે.