યુક્રેનથી મહા મુસીબતે રોમાનિયા બોર્ડરે પહોંચ્યા તો રોમાનિયા સરકાર હાથ ઊંચા કરી દીધા મોરબી : યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ મોરબી સહિતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે ભારત સરકારે આ વિદ્યાર્થીઓને રોમાનિયા સરહદેથી ભારત લાવવા પ્રયાસો કર્યા બાદ હાલમાં મોરબીના વિદ્યાર્થી સહિત 10 ભારતીયો માઇનસ 4 ડીગ્રી ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે અને રોમાનિયા સરકારે પણ હાથ ઊંચા કરી દીધાનું બહાર આવ્યું છે. મોરબીથી યુક્રેન અભ્યાસ માટે ગયેલા મોરબીના કુલદીપ દવે સહિતના અનેક વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનની સળગતી સ્થિતિમાંથી બહાર આવવા માટે ભારત સરકારની સૂચના મુજબ રોમાનિયા બોર્ડર ઉપર પહોંચી ગયા છે. જો કે માઇનસ 4 ડીગ્રી તાપમાનમાં છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી મોરબીનો કુલદીપ દવે સહિતના 10 વિદ્યાર્થીઓ ફસાયા છે પરંતુ રોમાનિયાના રાજદૂત દ્વારા કોઈ જ વ્યવસ્થા નહિ થાય તેવું સ્પષ્ટ જણાવી દેતા હાલ અજાણ્યા દેશમાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ વિદ્યાર્થીઓ દ્વારા સત્વરે ભારત સરકાર મદદ કરે તેવી ગુહાર લગાવી છે.