ગંભીર રીતે ઘવાયેલ વેપારીને સુરેન્દ્રનગર બાદ અમદાવાદ ખસેડાયા : પોલીસની ત્વરિત કાર્યવાહી હળવદ : હળવદની જૂની શાકમાર્કેટમાં ગઈકાલે બપોરે કટલેરીના વેપારી ઉપર સરાજાહેર છરીથી હુમલો કરનાર બે આરોપીઓની પોલીસે સીસીટીવીની મદદથી ઓળખ મેળવી લઈ વેપારીની ફરિયાદને આધારે ગુન્હો નોંધી ત્વરિત કાર્યવાહી કરી હતી. બીજી તરફ બન્ને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર સીધ્ધીવિનાયક સોસાયટીમાં રહેતા અને જૂની શાકમાર્કેટમાં કટલેરીનો ધંધો કરતા અમીતભાઇ માણેકલાલ મેંઢા ઉપર ગઈકાલે બપોરના સમયે બે શખ્સોએ હીંચકારો હુમલો કરી છરીથી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત વેપારીને પ્રથમ હળવદ બાદ સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ સારવાર માટે ખસેડી ઓપરેશન કરવામાં આવ્યું હતું. બનાવની ગંભીરતા જોતા હળવદ પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી અને સીસીટીવી કેમરાની મદદથી હુમલાખોરોને ઓળખી કાઢી વેપારી પાસે દોડી જઇ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી જેમાં ભાનમાં આવેલા અમીતભાઇ માણેકલાલ મેંઢાએ આરોપી મહમદ રહીમ ફકીર તથા સેહજાદ રહીમ ફકીર રહે બન્ને મોચીવાડ હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં વેપારીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે બન્ને હુમલાખોરો સાયકલ લઈને માર્કેટમાં જતા હોય તેમના ભત્રીજાએ ના પાડતા ઝઘડો કરી બાદ ફરી છરી સાથે ધસી આવી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૬,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાના અણસાર મળી રહ્યા છે.