સેફ વે કન્સેસન સંસ્થા આયોજિત કાર્યક્રમમાં પ્લાસ્ટીકની કોથળી પર્યાવરણ માટે હાનિકારક હોવાની સમજ અપાઈ મોરબી : લાલપર ગામમાં સેફ વે કન્સેસન સંસ્થા દ્વારા નવદીપ વિદ્યાલયમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા અને સામાજિક સ્વચ્છતા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને પ્લાસ્ટીકની કોથળી પર્યાવરણ માટે હાનિકારક હોવાની સમજ અપાઈ હતી. મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાં સેફ વે કન્સેસન નામની સંસ્થા તરફથી સ્વચ્છ સડકે અંતર્ગત સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના હર્ષાબેન તરફથી તેમજ શાળાના સંચાલક હર્ષદભાઈ કાવર તરફથી વ્યક્તિગત સ્વચ્છતા તેમજ સામાજિક સ્વચ્છતા બાબતે શાળાના બાળકોને જાગૃત થવાની પ્રેરણા આપવામાં આવી હતી. ગંદકી માટે તેમજ પર્યાવરણની હાનિ માટે મુખ્યત્વે જવાબદાર એવાં પ્લાસ્ટીકના ઉપયોગ બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બજારમાં કોઈ વસ્તુંની ખરીદી કરવા જઈએ ત્યારે જો પ્લાસ્ટીકના કેરી બેગ (ઝબલાં)ની જરૂર ના હોય તો દુકાનદારને વિનમ્રતાપૂર્વક ઝબલું ના આપવા કહેવું તેમજ જો વસ્તુંને થેલીમાં જ લેવી જરૂરી હોય તો ઝબલું ના માંગતા ઘરેથી વસ્તું લેવા જઈએ ત્યારે જ સાથે કાપડની થેલી લઈ જવાની સમજ આપવામાં આવી હતી. તેમજ પ્લાસ્ટીક પેકિંગમાં આવતાં નાસ્તાના પેકેટ શરીર સ્વાસ્થ્ય માટે નુકશાનકારક તો છે જ પણ તે ખાલી પ્લાસ્ટીકની કોથળી પર્યાવરણ માટે પણ કેવી રીતે ખૂબ જ નુકશાનકારક છે, આ બાબતે વિશેષ સમજ આપવામાં આવી હતી.