ભારતની સ્મોલ અને મિડિયમ ઈન્ડસ્ટ્રીઝને ચાઈનાના ઈમ્પોર્ટ સામે રક્ષણ કેમ આપવું? આ અંગે 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં કરાઈ છે વિગતવાર ચર્ચા ઓલરેડી નીચી પડતરવાળો ચાઈનાનો માલ ગેરરિતીથી ભારતમાં આવતો હોવાના કારણે આપણા ભારતની ઈન્ડસ્ટ્રીઝ તેની સામે ટટ્ટાર થઈ શકતી નથી : જયસુખભાઈ પટેલ મોરબી : મંદીનો સામનો દરેક રાષ્ટ્રએ છાશવારે કરવો પડતો હોય છે. આવા સંજોગોનો સચોટ ઉકેલ રોજગારી જ હોય છે. તેમ જણાવી જયસુખભાઈ પટેલ લેખના આરંભમાં ભારતની વાત કરે છે કે અત્યારે સરકારે વધારેમાં વધારે લોકોને રોજગારી મળે તેવી નીતિ અને યોજનાઓ બનાવવી જોઈએ. એક તરફ દેશમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ જેવી વિવિધ યોજનાઓ ઘડીને નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યાં છે. બીજી તરફ દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાઈનાથી ફિનિશ્ડ ગૂડઝ (રેડી ટૂ સેલ માલ) ઈમ્પોર્ટ થવાને કારણે સ્થાનિક સ્મોલ અને મિડિયમ સ્કેલ (એસ.એમ.ઈ.) ઈન્ડસ્ટ્રીઝ સામે ખતરો ઊભો થયો છે. ચાઈનામાંથી કન્ઝયૂમર પ્રોડકટની આયાત ગુજરાતના કંડલા, મુન્દ્રા, પીપાવાવ, દહેજ જેવા બંદરો પર ઠલવાય છે. આ બંદરો પરથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ જેવા રાજયોમાં આ માલ જાય છે. આવું આજે દેશભરમાં થાય છે. ચાઈનાની પ્રોડકટના કારણે દેશનો જે વિકાસ થવો જોઈએ તે ખરેખર થતો નથી. ખરેખર વિકાસ રૂંધાઈ રહ્યો છે કારણ કે આ ગેરરિતી થકી તેનું ગળું ઘોંટવામાં આવી રહયું છે! આવા કપરા અને વિપરીત સંજોગોમાં, જો આપણે ખરેખર 'મેક ઈન ઈન્ડિયા' સાર્થક કરવા માંગતા હોઈએ અને ડોમેસ્ટિક મિડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને પ્રોટેકશન આપવા માંગતા હોઈએ તો આ મુદ્દાઓ પ્રત્યે સકારાત્મકપણે વિચારવાનો સમય પાકી ગયો હોવાનું જયસુખભાઈ સ્પષ્ટપણે કહી સરકારને સૂચન આપે છે કે ગુજરાત પોર્ટ ઉપર જે કંઈપણ ઈમ્પોર્ટ કન્ઝયુમર પ્રોડકટ (રેડી ટૂ સેલ્સ / ફિનિશ્ડ પ્રોડકટ) ઉપર યોગ્ય ઈન્વોઈસ કરવામાં આવ્યાં છે કે નહીં, તેના ઉપર નિયમો, કાયદો બનાવવો જોઈએ! ચાઈનાથી જે ફિનિશ્ડ પ્રોડકટ ઈમ્પોર્ટ થાય છે તે આયાતકાર 95 ટકા લોકો એજન્ટ ટ્રેડર્સ, હોલસેલર કે ડિલર્સ ટાઈપના લેભાગુ લોકો હોય છે. આવા લેભાગુ લોકો ગુજરાતના તેમજ ભારતભરતના બંદરો ઉપર મોટા અન્ડર ઈન્વોઈસથી ચાઈનાની ફિનિશ્ડ પ્રોડકટ ઈમ્પોર્ટ કરે છે. આ વચેટીયાઓનો આખો બિઝનેસ પ્લાન સમજવા જેવો છે. આ બાબત 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં જયસુખભાઈ પટેલે ઉદાહરણ સાથે સરળતાથી સમજાવી છે. આ ઉપરાંત, લેભાગુ આયાતકારો ફર્જી કંપની, ફર્જી માલિકો અને બેનામી ઈમ્પોર્ટ કરતા હોવાનું તેમજ ચાઈનાના ટ્રેડ સીટી તરીકે પ્રખ્યાત યુવ (YIWU) શહેરમાં આવેલી ઈન્ડિયન એજન્ટસની ઓફિસો કોઈપણ પેપર વર્ક વગર ચાઈનાથી પરચેઝ કરેલાં માલની ડિલિવરી ભારતમાં ઘર બેઠાં મળે તેવી સર્વિસ આપતા હોવાની હકીકત પર પણ જયસુખભાઈ પટેલે પ્રકાશ પાડ્યો છે. જે માટે પુસ્તક વાંચવું જોઈએ. આ આખી સિસ્ટમમાં જે ટેકસ ચોરી કરવામાં આવે છે તેનાથી ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝવાળાને ઘણું જ મોટું નુકશાન થાય છે અને સરકારને કરોડો રૂપિયાની કસ્ટમ, એકસાઇઝ, વેટ, ઈન્કમટેકસમાં ઓછી આવક થાય છે. આ સિસ્ટમ થકી જે ટેકસ ચોરી કરવામાં આવે છે તેને અટકાવવામાં આવે કે ટેકસ ચોરી ઓછી થાય તેવા પગલાં લેવામાં આવે તો બધાને લાભ થાય. આ માટે સરળ અને સાદો રસ્તો એ છે કે પોર્ટ ઉપર જ જયારે પણ મટિરીયલ્સ આવે તેના ઉપર ફેર માર્કેટ વેલ્યૂ ઉપર કસ્ટમ ડયૂટી, I.G.S.T. તથા અન્ય ટેકસ કલેકટ કરવામાં આવે. આમ થાય તો જ ગુજરાતમાં સ્મોલ એન્ડ મિડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને રક્ષણ મળશે. દેશના વિકાસમાં અને રોજગારી આપવામાં આ સ્મોલ એન્ડ મિડિયમ ઈન્ડસ્ટ્રીઝનો મોટો હિસ્સો છે. તેથી, વહેલાસર આ અંગે સરકારે પગલા ભરે તેમાં જ સાચી સમજદારી અને સાવચેતી હોવાનું મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલે જણાવ્યું છે.