સવારે આઠથી ત્રણ ને બદલે 10 થી 11 વાગ્યા સુધી જ હાજર રહેતા લોકોમાં રોષ : મોબાઈલ બેટરી ઉતરી ગયાનું બહાનું મોરબી : મોરબી પોસ્ટ વિભાગ દ્વારા આધારકાર્ડ અપડેટ માટે આજે મોરબી પાલિકા કચેરીમાં સવારે આઠથી બપોરે ત્રણ સુધી કેમ્પ યોજવાનું જાહેર કર્યા બાદ પોસ્ટ ના કર્મચારીઓ 10થી 11 વાગ્યા સુધી જ કામગીરી કરી પોબારા ભણી જતા પાલિકામાં લોકો હેરાન પરેશાન થયા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકારની તમામ સેવાઓ માટે આધારકાર્ડ ફરજિયાત થયુ છે તેવામાં આધારકાર્ડમાં સુધારા વધારા માટે ધાંધિયા ચાલી રહ્યા છે તેવામાં મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા નગરપાલિકા ખાતે આજે સવારે આઠથી બપોરે આધારકાર્ડ અપડેટ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટ વિભાગના આધારકાર્ડ માટેની કામગીરી કરતા કર્મચારીઓ સવારે આઠને બદલે દસ વાગ્યે આવ્યા હતા અને 11 વાગ્યે કેમ્પનો સંકેલો કરી નાખતા સેંકડો લોકો પરેશાન થયા હતા. બીજી તરફ પોસ્ટ વિભાગના સતાવાર સુત્રોનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે કેમ્પ તો સવારે 7.30થી ચાલુ થઈ ગયો હતો અને 300થી 350 લોકોએ કેમ્પનો લાભ પણ લીધો હતો. મોબાઈલ બેટરી ખતમ થઈ જતા કેમ્પમાં કામગીરી બંધ કરી હોવાનું અને હવે વોર્ડ વાઇસ કામગીરી કરવામાં આવશે તેવો બચાવ પોસ્ટ વિભાગે કર્યો હતો.