લગ્નપ્રસંગમાંથી પરત ફરતા આશાસ્પદ યુવાનનું મોત નિપજાવી ટ્રક ચાલક નાસી છૂટ્યો હળવદ : હળવદના સુંદરગઢ ગામે લગ્નપ્રસંગમાંથી પરત ફરતા આશાસ્પદ યુવાનના બાઇકને પાછળથી ટક્કર મારી ટ્રક ચાલકે ગંભીર અકસ્માત સર્જતા યુવાનના બન્ને પગ ધડથી અલગ થઈ ગયા હતા અને આ ગંભીર કમકમાટીભર્યા અકસ્માતમાં ઘટનાસ્થળે જ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જીકિયારી ગામે રહેતા મનસુખભાઇ ચકુભાઇ પીપળીયાનો પુત્ર કિશન ઉ.21 ગત તા. 16ના રોજ સુંદરગઢ ગામે કયણાભાઈ રમેશભાઈ કોળીના ઘેર લગ્ન પ્રસંગમાં ગયો જતો જ્યાંથી પરત ફરતી વેળાએ નવા અને જૂના સુંદરગઢ ગામ વચ્ચે આવેલા આશ્રમ પાસે ટ્રક નંબર GJ-02-XX-1520ના ચાલકે કિશનના બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇકમાં પાછળ બેઠેલા જયંતીભાઈ જાદુભાઈ ચરમારી બાઈક ઉપરથી ફંગોળાઈ ગયા હતા. જ્યારે બાઈક ચલાવતો કિશન ટ્રકના આગળના ટાયરમાં બાઈક સહિત ફસાઈ ગયો હતો અને રોડ ઉપર ટ્રક સાથે ઢસડાતા આ અકસ્માતમાં કિશનના બન્ને પગ ધડથી અલગ પડી જતા ઘટના સ્થળે જ કિશને દમ તોડી દીધો હતો. નવા સુંદરગઢ તથા જુના સુંદરગઢ ગામની વચ્ચે આશ્રમ પાસે બનેલા આ ગંભીર અને કમકમાટી ભર્યો અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. હાલ મૃતક કિશનના પિતાની ફરિયાદને આધારે હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.