ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દિયાન પેપરમીલ નજીક ખાસ ઉપકરણો ગોઠવી તપાસનો ધમધમાટ મોરબી : વાંકાનેરના રાતવીરડા નજીક દિયાન પેપરમીલમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ ધૂંધવાઈ રહી છે ત્યારે આ આગને કારણે પર્યાવરણને કેટલું નુકશાન પહોંચ્યું છે તેનો ક્યાસ મેળવવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા ગઈકાલથી વિશેષ ઉપકરણો ગોઠવી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું. આગની મોટી ઘટનાઓ બને ત્યારે પર્યાવરણને નુકશાન પહોંચવાની દહેશત હોવાથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા આગની ઘટના સ્થળે વિશેષ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે જે અન્વયે ગઈકાલે વાંકાનેર તાલુકાના રાતવીરડા નજીક દિયાન પેપરમીલમાં આગ લાગ્યાની જાણ થતા જ મોરબી પ્રદુષણ નિયંત્રણ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાની ટીમ ખાસ ઉપકરણો સાથે બનાવ સ્થળે પહોંચી હતી અને આ ખાસ સાધનો વડે વિકરાળ આગથી પર્યાવરણને થયેલ નુક્શાનીના આંકડા મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. વધુમાં મોરબી પ્રદુષણ નિયંત્રણ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પેપરમીલમાં લાગેલી આગના ગંભીર બનાવ મામલે હાલમાં તપાસ ચાલુ છે અને હજુ પણ કચેરીની ટિમ બનાવ સ્થળે કામગીરીમાં વ્યસ્ત હોવાનું અને આગ બુઝાયા બાદ આંકડાકીય વિગતો સાથે રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..