નવનિયુક્ત ઓફિસરે હળવદને સ્વચ્છ બનાવવાના તમામ વિસ્તારોની મુલાકાત લીધી હળવદ : તાજેતરમાં જ હળવદ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિયુક્ત થયેલ પાંચાભાઇ માળીએ આજે હળવદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાતે સ્થળ તપાસ કરી હળવદને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે સાથે જરૂરી વિભાગને કામગીરી કરવા સૂચનાઓ પણ કરવામાં આવી છે. પાટણથી હળવદ નગરપાલિકામાં મુકાયેલ ચીફ ઓફિસર પાંચાભાઇ માળી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. પાલિકાનો ચાર્જ સંભાળતાં પહેલાં વૃક્ષારોપણ તેમજ સાઈકલ લઈ પાલિકાએ પહોંચેલ નવનિયુક્ત ચીફ ઓફિસરે શહેરીજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે આજે નવનિયુક્ત ચીફ ઓફિસર માળીએ હળવદ શહેરના ધાંગધ્રા દરવાજા, શાકમાર્કેટ,સામંતસર તળાવ, સીનીયર સીટીઝન પાર્ક, દરબારગઢ સહિતના શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાતે તપાસ કરી સ્વચ્છતા અંગે સેનિટેશન વિભાગને જરૂરી કામ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પાલિકામાં મુકાયેલ નવનિયુક્ત ચીફ ઓફિસર પાંચાભાઇ માળી હાલ તો શહેરને સ્વચ્છ બનાવવા અને શહેરીજનોની સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્નો કરતા દેખાઈ રહ્યા છે.જે કામગીરી આવતા દિવસોમાં પણ કરવામાં આવે તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે.