ફાયર બ્રિગેડની 3 કલાકની આકરી જહેમતને અંતે આગ કાબુમાં આવી મોરબી : મોરબીમાં હમણાંથી આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં જેમાં ગત મોડીરાત્રે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ નગરપાલિકાના ડંપિંગ સાઈટ ઉપર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 કલાકની જહેમતને અંતે આગને કાબુમાં લીધી હતી. મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર પાસે આવેલ નગરપાલિકાના ડંપિંગ સાઈટ ઉપર ગત મોડીરાત્રીના 3 વાગ્યે કોઈ કારણોસર આગ લાગી હતી, ડંપિંગ સાઈટ ઉપર કચરાના મોટા ઢગલાને કારણે આગ ધીમેધીમે પ્રસરીને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનવાની જાણ થતાં મોરબી પાલિકાના ફાયર બ્રિગેડના મહાદેવ ઠાકોર સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ સવારે 6 વાગ્યે આગને કાબુમાં લીધી હતી. જો કે, આ આગ ક્યાં કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.