સરકારી શાળાઓ પણ આધુનિક સમયની સાથે ચાલતી હોવાનું સાબિત કરતી મોરબીની ગવર્નમેન્ટ હાઈસ્કૂલ સંકુલ કક્ષાના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ ઓનલાઇન પ્રદર્શનમાં આ કૃતિએ પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન મોરબી : શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ – મોરબીમાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં સંકુલ કક્ષાના વિજ્ઞાન મેળામાં વી. સી. હાઈસ્કૂલની કૃતિ પ્રથમ ક્રમાંકે પસંદગી પામી છે. છાત્રોએ શિક્ષકોના માર્ગદર્શનથી My App : My Study નામની એપ્લિકેશન બનાવીને પ્રથમ ક્રમાંકે આવી સરકારી શાળાના વિદ્યાર્થીઓએ જાતમહેનતથી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગત તા. 10/02/2022 ને ગુરુવારના રોજ GCERT - ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન - રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી - મોરબી અને શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ - મોરબી દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોરબી તાલુકાની બિનઅનુદાનિત અને સરકારી શાળાઓની કુલ 23 શાળાઓએ ભાગ લીધો હતો. હાલની કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન મોડના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતું. આ પૈકી વિભાગ-3માં મોરબીની સરકારી હાઈસ્કૂલ ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલની કૃતિ My App : My Study પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ નીવડી છે. શાળાના ધો.11 (સાયન્સ)ના વિદ્યાર્થીઓ ગાંભવા જય અને ઝાલા આશિષ દ્વારા એજ્યુકેશનલ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે. જેને શાળાના શિક્ષક અમિતભાઇ તન્ના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલના સંયોજક નરેશભાઈ સાણજા, સહસંયોજક અતુલભાઈ પાડલિયા અને DEO કચેરીના AEI ભાવેશભાઈ ભાલોડીયા તથા વી. સી. હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય ડી. એ. ગોગરા દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી અને દરેક વિભાગમાં પ્રથમ ક્રમ મેળવનાર કૃતિઓને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા શુભેચ્છા આપી હતી. આમ, ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના છાત્રોએ એપ્લિકેશન બનાવી સરકારી શાળાઓ પણ આધુનિક સમય સાથે ચાલે છે અને તેના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળાના વિદ્યાર્થીઓની જેમ પ્રગતિ કરે છે, તે બાબતને સાબિત કરી બતાવ્યું છે.