હળવદમાં ચોંકાવનારું લોન કૌભાંડ સામે આવ્યું : નગરપાલિકાના ખોટા કંમ્પ્લીશન મેળવી 6 શખ્સોએ કાંડ કરી નાખતા ફોજદારી ફરિયાદ હળવદ : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની હળવદ મુખ્ય બ્રાન્ચમાંથી હોમ લોન મેળવી દર્શાવેલ સ્થળે બાંધકામ કર્યા વગર તેમજ વેલ્યુએશન કરતા ઓછું બાંધકામ કરી નગરપાલિકાના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી લોન,સબસીડી મેળવી લઈ બાદમાં બેંકમાં નાણાં નહીં જમા કરાવી રૂપિયા 91 લાખનું બુચ મારી દેતા બેન્ક કર્મચારીની સંડોવણી વાળા આ જબરા લોન કૌભાંડમાં બેન્કના મેનેજરે હળવદ પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધવા ચકચાર જાગી છે. ચોંકાવનારા લોન કૌભાંડ મામલે હળવદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર જીતેન્દ્ર કુમાર સુગ્રીવપ્રસાદસિહે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે, આરોપી જગદિશભાઈ મનસુખલાલ ઠક્કર, શીલ્પાબેન દીપેનભાઈ ઠક્કર તથા દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કર રહે. રબારીવાસ સુમરાવાસ હળવદ, હરીનભાઈ રમેશભાઈ કારીયા, હર્ષદભાઈ રમેશભાઈ કારીયા રહે. ખારાઘોડા રેલ્વે સ્ટેશન વાળી લાઈન સુરેન્દ્રનગર,રાજેશભાઈ કાંતીલાલ કોટેચા રહે. રામાપીર મંદિર કરાચી કોલોની હળવદ તથા બેન્ક કર્મચારી મીતેશ કડીયા તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓએ વર્ષ 2016થી આજદીન સુધીમાં સ્ટેટબેંકની મેઇન બ્રાન્ચ હળવદમાંથી હોમ લોન મેળવી કૌભાંડ આચરી બેન્કને 91 લાખ રૂપિયા ચૂકવ્યા નથી. વધુમાં બેન્કમાંથી હોમલોન મેળવનારા આ તમામ આરોપીઓ દ્વારા હળવદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા 83 લાખ 95 હજારની લોન મેળવી હતી. અને લોન લીધા બાદ 14.76 લાખ બેંકમાં જમા કરાવાયા હતા બાદમાં બાકી રહેતા 69.19 લાખ અને તેના ચડત વ્યાજ સાથે 91 લાખ રૂપિયા બેંકમાં જમા ન કરાવવાની સાથે આરોપીઓ દ્વારા જે સ્થળ સર્વે નંબર ઉપર હોમ લોન મળવેલ તે સ્થળ સર્વે નંબર ઉપર મકાન નહી બનાવી તથા આરોપી નં-(૩) નાઓએ લોનની વેલ્યુએશન કરતા ઓછુ બંધકામ કરી કોન્ટ્રાકટર તથા નગરપાલીકા તથા આરોપી મીતેશ કડીયા સાથે મળી ખોટા કંમ્પ્લીસન સર્ટી તથા એપ્રુવલ મેળવી તમામ આરોપીઓએ લોન મેળવી તથા સબસીડી મેળવી લોન નહી ભરી બેંન્ક તથા સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોન કૌભાંડ આચરનારાઓ દ્વારા નગરપાલિકાના ખોટા પ્રમાણપત્રો પણ રજૂ કર્યા હોય લોન કૌભાંડનો રેલો હળવદ નગરપાલિકા સુધી લંબાવવાની શક્યતા જોવાઈ રહી છે. હાલમાં બેન્ક મેનેજરની ફરિયાદને આધારે છ આરોપીઓ વિરુદ્ધ પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦,૪૦૯,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને ખુદ હળવદ પીઆઇ કે.જે.માથુકીયા તપાસ ચલાવી રહ્યા છે.