કાર્યક્રમમાં 'રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર' લઘુનાટક રજૂ થયું : કવિ સંજુ વાળા સહિતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા મોરબી : લેખક સ્વ. જે. ટી. મકવાણાની પુણ્યતિથિ નિમિતે મોરબીમાં 'અડધે રસ્તે અંધારું' પુણ્યસ્મૃતિ ગ્રંથ વિમોચન કાર્યક્રમ દબદબાભેર યોજાઈ ગયો હતો. કાર્યક્રમમાં 'રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર' લઘુનાટક રજૂ થયું હતું. અને કવિ સંજુ વાળા સહિતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. મૂળ સજનપર તા. ટંકારાના ડૉ. રાજેશ મકવાણા કે જેઓ હાલ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય - ગાંધીનગરમાં ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર અને અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. એમણે સર્જન, સંશોધન અને સંપાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. ૨૧ જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી. કરાવનાર ડૉ. રાજેશ મકવાણાના પિતા સ્વ. જે. ટી. મકવાણા, જેઓ એમ. એસ. દોશી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. એમનું ૩૪ વર્ષ જેટલી નાની ઉંમરે અકસ્માતમાં અવસાન થયેલું હતું. એમણે લખેલું અને મચ્છુ જળહોનારતમાં પ્રભાવિત થયેલું શેષ લખાણ તેમજ સહકર્મીઓ, મિત્રો અને એમના વિદ્યાર્થીઓએ લખેલા સંસ્મરણોનું સંપાદન કરીને તેમના પુત્ર પ્રો. ડૉ. રાજેશ મકવાણાએ સંપાદિત કરેલ સ્મૃતિ ગ્રંથનો એમની ૪૦મી પુણ્યતિથિ નિમિત્તે ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ સાંજે મોરબીના ભડિયાદ રોડ પર આવેલ તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલમાં આમંત્રિત મહાનુભાવો, પરિવારજનો અને સગાસંબંધીઓની ઉપસ્થિતિમાં વિમોચન અને લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નિર્લોક પરમાર પ્રસ્તુત અને ચેતન દોશી અભિનીત 'રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર' લઘુનાટક રજૂ થયું હતું. આ પ્રસંગે કવિ સંજુ વાળા, મુંબઈ યુનિ.ના પ્રો. ડૉ. રતિલાલ રોહિત, સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ સભ્ય ડૉ. જે. એમ. ચંદ્રાવાડિયા, આટર્સ-કોમર્સ કોલેજ કાલાવાડના અધ્યાપક ડૉ. સુનીલ જાદવ તેમજ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી ભરત સોલંકી તેમજ મોરબીના સાહિત્ય સર્જકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્વ. જે. ટી. મકવાણા એક જાગૃત અને વિચારક શિક્ષક હતા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં શિક્ષણ પ્રાપ્ત કરીને શિક્ષક પણ બન્યા. પોતાના સંતાનો અને વિદ્યાર્થીઓને પણ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. ડૉ. બાબાસાહેબના વિચારોથી પ્રભાવિત થઈને એમને સામાજિક જાગૃતિની જ્યોત પણ જગાડેલી. એમને લખવાનો શોખ હતો. ખાસ કરીને પોતાના વિચારો અને આત્મવૃત્તાંત તેઓ નિયમિત લખતા. એમનું આયુષ્ય ખૂબ ટૂંકું. નક્ષત્રની જેમ ઝળહળાં થઈને ઓઝલ થઈ ગયું. ખેદની વાત તો એ છે કે એમણે ફાઉન્ટન પેનથી લખેલું સાહિત્ય મોરબીની જળહોનારતમાં ગરકાવ થઈ ગયું. એમાંથી જે બચ્યું તે અને એમના પરિચયમાં આવેલા મિત્રો, વિદ્યાર્થીઓ અને સગા સંબંધીઓના સંસ્મરણોનું સંપાદન કરીને પ્રા. ડૉ. રાજેશ મકવાણાએ 'અડધે રસ્તે અંધારું' ગ્રંથ તૈયાર કરીને બહોળા લોકસમુદાયની હાજરીમાં લોકાર્પણ કરીને સ્વ. પિતાને પુણ્યસ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન આણંદ હાઈસ્કૂલના પ્રિન્સિ. ડૉ. રાકેશ રાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ એમ.પી.ની સાગર યુનિ.ના ચાન્સેલર ડૉ. બળવંત જાની, સેન્ટ્રલ યુનિ. ઓફ ગુજરાતના કુલપતિ ડૉ. રમાશંકર દુબેએ પણ શુભેચ્છાઓ પાઠવી છે.