સીરામીક મેન્યુફેક્ચરર્સ એસોસીએશન તથા જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની રાજ્યમંત્રીને રજૂઆત મોરબી: મોરબી શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને દિન-પ્રતિદિન ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે ત્યારે શહેરમાં ટ્રાફિક જામ થતા અમુક સ્થળોએ ટ્રાફિક સિગ્નલ મુકવા અતિ જરૂરી બન્યું છે. આ માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસીએશન તથા જિલ્લા ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે જિલ્લામાં સીરામીક,પેપરમીલ, પોલિપેક, લેમીનેટ, ઘડિયાળ, પેકેજીંગ, મીઠા ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ઉદ્યોગોના ઝડપી વિકાસની સાથે સાથે મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થતો જાય છે. શહેરમાં વારંવાર અમુક અમુક પોઇન્ટ પર ટ્રાફિક જામ થવાથી ટ્રાફિક જવાનો માટે પણ આ સમસ્યા ઉકેલવા મોટો પડકાર ઊભો થાય છે. ત્યારે જો અમુક પોઇન્ટ ઉપર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે તો જામ થતાં ટ્રાફિકમાં મોરબીની જનતાને રાહત મળશે.અને ટ્રાફિક પોલીસને પણ સરળતા રહેશે. આ માટે શહેરના મુખ્ય માર્ગો પર વહેલામાં વહેલી તકે ટ્રાફિક સિગ્નલ મુકાય તેવી અંતમાં રજૂઆત કરાઇ છે. રજૂઆત કરતી વેળાએ સિરામિકના તમામ એસોસીએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ ઉઘરેજા તથા ટ્રાફિક ટ્રસ્ટ વતી સતિષભાઈ કાનાબાર તથા રાજુભાઇ બદ્રકિયા હાજર રહ્યા હતા