પરીક્ષા દરમિયાન અંદાજે 150 લોકોનો સ્ટાફ ખડેપગે રહેશે મોરબી : રાજ્યમાં આગામી તા. 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર બિનસચિવાલયની પરીક્ષામાં મોરબી જિલ્લાના અંદાજે 13 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. જે માટે પરીક્ષા દરમિયાન અંદાજે 150 લોકોનો સ્ટાફ ખડેપગે રહેશે. આગામી તા. 13 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં બિનસચિવાલયની ભરતી માટે પરીક્ષા યોજાનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં અંદાજે કુલ 13,495 ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં પરીક્ષા માટે મોરબી જિલ્લામાં કુલ 42 બિલ્ડીંગોમાં 450 બ્લોક ફાળવવામાં આવ્યા છે. જે પૈકી મોરબીમાં 19 બિલ્ડીંગ, હળવદમાં 15 બિલ્ડીંગ અને ટંકારામાં 8 બિલ્ડીંગમાં પરીક્ષા આપવામાં આવશે. આ પરીક્ષાના સંદર્ભમાં આજે સાંજે 4 કલાકે અધિક કલેક્ટર એન. કે. મુછારના અધ્યક્ષસ્થાને વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં 42 તકેદારી સુપરવાઈઝર અને 42 મંડળના પ્રતિનિધિઓની બેઠક યોજાવાની છે. જયારે 42 સ્થળ સંચાલકોની મિટિંગ યોજાઈ ગઈ છે. પરીક્ષા અન્વયે 10 રૂટમાં 10 રૂટ સુપરવાઈઝર, 10 રૂટ ક્લાર્ક, 42 કેન્દ્ર નિયામક, 42 તકેદારી સુપરવાઈઝર અને 42 મંડળના પ્રતિનિધિઓ ખડેપગે રહેશે. તેમજ પરીક્ષાનું ઓલઓવર ઓબ્ઝર્વેશન DRDA મીતાબેન જોશી કરશે. આમ, પરીક્ષા દરમિયાન અંદાજે 150 લોકોનો સ્ટાફ ફરજ પર કાર્યરત રહેશે.