રાજયમંત્રી સમક્ષ હળવદ તાલુકા ભાજપ પ્રમુખે માંગ ઉઠાવી હળવદ : હળવદ તાલુકાના માથક તરફના ૧૧ ગામોને નર્મદા સિંચાઇ યોજનાનો લાભ અપાવવા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા રાજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે. હળવદ તાલુકાના આજે પણ ઘણા એવા ગામો છે કે જ્યાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પહોંચ્યું નથી. આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ આજદિન સુધી રજૂઆતનો કોઈ જ યોગ્ય નિકાલ આવ્યો નથી. ત્યારે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સિણોજીયાએ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકામાં આવતા શિવપુર,ખેતરડી, માણેકવાડા,ચૂંપણી, માથક, રાતાભેર, ડુંગરપુર, સમલી, રણછોડગઢ, વાંકીયા સહિતના આજુબાજુના ગામોને નર્મદાનાં પાણીનો લાભ મળતો નથી. જેથી આ વિસ્તારના ખેડૂતો તેમજ ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન સોમાભાઈ ઠાકોર સહિતનાઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આજદિન સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ઉપરોક્ત ગામોના ખેડૂતોને નર્મદાના પાણીનો લાભ આપવામાં આવે તો ખેડૂતો સારો અને મબલખ પાક લઈ શકે તેમ હોવાનું જણાવ્યું છે.