સિટી એ ડિવિઝન પોલીસે દરરોજનો 11,983નો દંડ વસુલ્યો મોરબી : કોરોના મહામારીના બે વર્ષ જેટલા સમયગાળામાં પ્રથમ, બીજી અને ત્રીજી લહેરમાં પણ મોરબીવાસીઓએ કોરોના ભલે થાય પણ માસ્ક નહિ પહેરી તેવું વલણ ચાલુ રાખતા સિટી એ ડિવિઝન પોલીસે આ સમયગાળામાં અધધ કહી શકાય તેવો 70 લાખ રૂપિયા દંડ વસુલ્યો હોવાનુ માહિતી અધિકારના કાયદા તળે બહાર આવ્યું છે. ટંકારા તાલુકાના વિરપર ગામના પરાગભાઈ મુંદળીયાએ માહિતી અધિકારના કાયદા હેઠળ કોરોના કાળમાં પોલીસે માસ્કનો કેટલો દંડ વસુલ્યો તે અંગે માહિતી માંગતા સિટી એ ડિવિઝન પોલીસે વિગતવાર માહિતી આપી છે જેમાં જૂન - જુલાઈ 2020માં 200 રૂપિયા લેખે, 31 જુલાઈથી 13 ઓગષ્ટ સુધી રૂ.500 લેખે અને 14 ઓગષ્ટ 2021થી આજદિન સુધી રૂ.1000 લેખે માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 70,10,500નો દંડ પોલીસે વસુલ કર્યો હોવાનું જણાવાયું છે.