નગર પાલિકાના મહિલા પ્રમુખ પણ મહિલાઓના પ્રશ્ને ઉદાસીન !! મોરબી : મોરબીના હાર્દ સમી મુખ્યબજારમાં નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલય બનાવવા મામલે અનેકાનેક રજુઆત બાદ પણ કાર્યવાહી ન થતા સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઈ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ દ્વારા મુખ્યમંત્રી, રાજ્યમંત્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ-ઉપપ્રમુખ અને પવડી વિભાગના ચેરમેનને લેખિત રજૂઆત સાથે હવે આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે. સામાજિક કાર્યકરો દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે તા.૨૦/૦૯/૨૦૨૧ના રોજ મહિલા પ્રમુખને મહિલાઓની વેદના અંગે રજુઆત કરી શહેરના હાર્દ સમાં નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલયની કામગીરી કરવા માંગ ઉઠાવવામાં આવી હતી ઉપરાંત વર્ષ ૨૦૧૭માં તથા તા.૨૦/૦૯/૨૦૨૧માં પણ અરજી કરી હતી.સને-૨૦૨૧ની અરજી અન્વયે કામગીરી થઇ જશે એવી લોલીપોપ આપી હતી. આ અંગે આજ તારીખે પણ રજુઆતનો નિકાલ થયો નથી. ત્યારે પાલિકાના મહિલા પ્રમુખના પતિએ આ રજૂઆતને એજન્ડામાં મૂકવી પડે અને આ પછી જ આપની રજુઆત સફળ થશે તો આવા કામ કરવામાં કેમ ભાજપના તમામ કાઉન્સીલરો પર બોર્ડ પર આવેલ હોવા છતાં કેમ આ લોકો આવી પ્રજાના હિતના કામોમાં વિલંબ કરે છે ? તેવો સવાલ ઉઠવ્યો છે. શહેરની મુખ્ય બજારમાં શૌચાલય ન હોવાથી સ્ત્રીઓને પુરૂષના શૌચાલયમાં જવુ પડે છે.તહેવારે કે લગ્ન પ્રસંગોની ખરીદી કરવા બહારગામથી આવતી સ્ત્રીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. માંગણી વાળી જગ્યાએ સ્ત્રી શૌચાલયની જગ્યા પણ હોય તો કેમ આટલો વિલંબ કરવામાં આવે છે ? એક તરફ પાલિકા વડાપ્રધાન મોદીના હર ઘર શૌચાલય જેવા નારા લગાવે છે તો પછી મોરબીમાં નહેરૂ ગેઇટનો ચોક જેવી જગ્યા પર જ સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની ફાળવવામાં કેમ નથી આવતું? તેવો વેધક સવાલ ઉઠવ્યો છે. આ બાબતે ચીફ ઓફીસર જો યોગ્ય પગલા નહીં લે તો આવનાર દિવસોમાં સામાજિક કાર્યકરો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે મહીલાઓ તથા શહેરીજનોને સાથે રાખી આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..