કોરોના મહામારીમાં પુનઃ શાળાઓ ધમધમતી થતા મોરબી જિલ્લાના બાળકોમાં ઉત્સાહ-ઉમંગ બેવડાયો મોરબી : કોરોના મહામારીની ત્રીજી લહેરની વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે આજથી રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ મોરબી જિલ્લામાં ધોરણ એકથી 9ના વર્ગોમાં ફરી બાળકોનો કિલકિલાટ ગુંજી ઉઠ્યો હતો. આજે પ્રત્યક્ષ શિક્ષણના પ્રથમ દિવસે જિલ્લામાં સરેરાશ 40 ટકા બાળકો ઉત્સાહ ઉમંગભેર હાજર રહી સ્કૂલ ચલે હમ સૂત્રને સાર્થક કર્યું હતું. કોરોના મહામારીની ત્રીજી લહેરમાં કેસોમાં વધારો થવાની સાથે બાળકોમાં કોરોના સંક્રમણનો ફેલાવો થતા રાજ્યમાં ધો.1થી 9ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતા આજથી રાજ્ય સરકાર દ્વારા ધો.1થી9ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આજે પ્રત્યક્ષ શિક્ષણના પ્રથમ દિવસે મોરબી જિલ્લામાં સરકારની કોવીડ ગાઈડલાઇનના ચુસ્ત પાલન અને વાલીગણની સમંતિ સાથે પુનઃ રાબેતા મુજબ શિક્ષણકાર્ય શરૂ કરાતા પ્રથમ દિવસે 40 ટકા બાળકો ઉત્સાહભેર શાળાએ ભણવા આવ્યા હતા.