મોરબી માંગે મહાનગર ઝુંબેશ અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત મોરબી : મોરબી માંગે મહાનગર પાલિકા ઝુંબેશ વેગવાન બની રહી છે ત્યારે મોરબી રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ મોરબીના સુનિયોજિત વિકાસ માટે મહાનગર પાલિકાનો દરજ્જો અત્યંત આવશ્યક હોવાની મુદાસરની રજુઆત કરી આ અભિયાનને વધુ આગળ ધપાવ્યું છે. મોરબી અપડેટના માધ્યમ થકી મુખ્યમંત્રીને રજુઆત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જણાવ્યું છે કે, મોરબીના પડતર પ્રશ્નોનો હલ થાય એ માટે મહાનગરનો દરજ્જો મળવો આવશ્યક બની ગયો છે. હાલ મોરબી દિન પ્રતિદિન વિસ્તરતું જાય છે,વિકસતું જાય છે,વસ્તીની દ્રષ્ટિએ,ઔદ્યોગિક દ્રષ્ટિએ,વિસ્તારની દ્રષ્ટિએ,આર્થિક દ્રષ્ટિએ મોરબીએ સીમા ચિહ્નનરૂપ વિકાસ કર્યો છે.ગુજરાત રાજયને સમગ્ર દેશ અને વિશ્વ સુધી જોડવામાં મોરબીનો ફાળો રહ્યો છે. મોરબીના સિરામીક અને ઘડિયાળ ઉદ્યોગના કારણે વિશ્વભરના લોકો મોરબીમાં આવે છે અને મોરબીના લોકો સમગ્ર વિશ્વમાં જાય છે ત્યારે મોરબીનો સુનિયોજીત વિકાસ થાય તથા મોરબીના પ્રવર્તમાન પ્રશ્નો જેવા કે રોડ,રસ્તા,ગટર,સ્વચ્છતા વરસાદી પાણીનો નિકાલ,ટ્રાફિકની સમસ્યાઓ,બાગ બગીચા,ફરવાના સ્થળોનો વિકાસ થાય એ માટે મોરબીને મહાનગરનો દરજજો આપવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. વધુમાં ઉમેર્યું છે કે, વર્ષ ૨૦૧૩માં આપના પક્ષની જ સરકારે મોરબીને જિલ્લો બનાવી મોરબીને જિલ્લા મથકનો દરજ્જો આપેલ છે એવી જ રીતે મોરબીને મહાનગરનો દરજજો આપી સમગ્ર દેશમાં જ નહીં બલ્કે વિશ્વમાં વિકાસશીલ જિલ્લા તરીકે ઉભરી આવેલા સિરામીક હબ મોરબીના વિકાસને વધુ વેગવંતો બનવવા માંગ ઉઠાવી મોરબી અપડેટની મોરબી માંગે મહાનગર ઝુંબેશને બળવત્તર બનાવી છે.