જનસેવા માટે કરોડો રૂપિયા ખર્ચી પોતે લાકડાંની પાટ પર આરામ કરતા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ દેશ-વિદેશનો પ્રવાસ ખેડી, અનુભવોનો નિચોડ પુસ્તકોમાં લખી જનજાગૃતિનું કાર્ય કરતા સ્વામીજી સંકલન : અશ્વિન રાવલ (સુરત) મોરબી : પેટલાદના દંતાલી ખાતે આવેલા ભકિત નિકેતન આશ્રમના સ્થાપક સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ 'સંપ્રદાય મુક્ત ધાર્મિકતા'માં માનનારા છે. સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસને ભારત સરકારનાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. સ્વામીજી હાલમાં 90 વર્ષની ઉંમરે પણ તન, મન અને ધનથી સતત સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. પોતાની અંગત જરૂરિયાત માટે AC તો દુરની વાત છે, પરંતુ પંખો પણ ચલાવતાં નથી અને તેઓ સાદી લાકડાંની પાટ પર જ આરામ કરી લે છે. ત્યારે આવું સેવાકીય તથા સાદગીપૂર્ણ જીવન જીવતા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસના પ્રેરણાદાયી જીવનકવનની ઝાંખી કરીએ. સ્વામી સચ્ચિદાનંદ પરમહંસનો જન્મ 1932માં 22 એપ્રિલ ચૈત્ર વદ બીજના દિવસે પાટણ જિલ્લાના મોટી ચંદુર ખાતે મોસાળમાં થયો હતો. તેમનું વતન મુંજપુર છે. તેમનું પુર્વાશ્રમનું નામ ન્હાનાલાલ ત્રિવેદી છે. તેમના પિતાનું નામ મોતીલાલ ત્રિવેદી, માતાનું નામ વહાલીબેન, ભાઇ સ્વ. ડાયાલાલ એમ. ત્રિવેદી અને સ્વ. ચિમનલાલ એમ. ત્રિવેદી છે. તેઓ પૂર્વાશ્રમ જીવનમાં રાધનપુર અને બીલીમોરામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. 1953માં 21 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી બીલીમોરાથી પગપાળા પોણા ભાગના ભારતનું ભ્રમણ કર્યું હતું. સન્યાસી બનીને પ્રથમ રાત ભીખારીઓ વચ્ચે સુરતની ધર્મશાળામાં વિતાવી હતી. ત્યારબાદ તેઓએ 1954માં ગુરુની શોધ અને બ્રહ્મચર્યદીક્ષા પ્રયાગરાજના કુંભમેળામાં લીધી. 1955માં વૃંદાવનમાં 'લઘુકૌમુદી'નો અભ્યાસ અને કાશીમા 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો. 1956માં પંજાબનાં ફીરોજપુર શહેરમાં સ્વામી મુકતાનંદ પાસે સંન્યાસદીક્ષા લીધી. 1966માં 'વેદાન્તાચાર્ય' (શાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે)ની પદવી લીધી. અને બનારસમાં યુનિવર્સિટીમા પ્રથમ આવી સુવર્ણચંદ્રક વિજેતા બન્યા. તેમણે અમરનાથ યાત્રા ત્રણ વાર કરી. ત્યારબાદ કાશીમાંથી વિદાય લઇ ગુજરાતમાં આવ્યા. તેમણે 1968માં સંપૂર્ણ ભારતયાત્રા કરી. 1969માં દંતાલી (પેટલાદ)માં ભક્તિ નિકેતન આશ્રમની સ્થાપના કરી. 1970માં પૂર્વ આફ્રીકાનો પ્રવાસ કર્યો. 1973માં સૂઇગામ (બનાસકાંઠા)માં દૂષ્કાળ વખતે રાહત કાર્ય કર્યું અને 'મહર્ષિ કણાદ ગુરુકુળ' માધ્યમિક શાળા અને છાત્રાલયની સૂઇગામમાં સ્થાપના કરી. નડેશ્વરી માતાજી મંદિર (નડાબેટ-ભારત-પાકીસ્તાન સરહદ)નો સંપૂર્ણ વિકાસ અને બારેમાસ સદાવ્રતની સેવા આપી. દર રામનવમીએ લોકમેળો અને હજારો લોકોને ભોજન પ્રસાદ કરાવ્યું. રાજસ્થાનથી કચ્છ સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર સખત ગરમીમાં સેવા આપતાં આપણા BSFના વીર જવાનોને સાયકલ, વોટર કૂલર અને વારંવાર મિઠાઈ તથા જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું. તેમજ ભારતયાત્રા ત્રણ વાર કરી. 1974માં દંતાલી-પેટલાદના આશ્રમમાં સમાજસેવાની પ્રવૃત્તિઓ કરી. 1974માં જ દંતાલી-પેટલાદના આશ્રમનું ટ્રસ્ટ કર્યું તથા વાલમ (તા. વીસનગર)માં બ્રહ્મસુત્ર અને 'ભારતીય દર્શનો' વિશે વ્યાખ્યાનો આપ્યાં, જે એમના પ્રથમ પુસ્તક રૂપે પ્રકાશિત થયાં. તેઓએ કુલ 85થી વધુ દેશોની વિદેશયાત્રા દ્વારા તુલનાત્મક અભ્યાસ કરીને જે તે યાત્રા વિશેના સુંદર પુસ્તકો લખ્યાં છે. સ્વામી સચ્ચિદાનંદ પરમહંસના પુસ્તકો અને સિદ્ધિઓની વાત કરીએ તો 1985માં 'સંસાર રામાયણ' અને' શ્રી કૃષ્ણલીલા રહસ્ય' બંને પુસ્તકોને અરવિંદ સુવર્ણ ચંદ્રક ગુજરાતી સાહીત્ય પરિષદ દ્વારા પ્રાપ્ત થયા છે. 1986માં 'મારા અનુભવો' પુસ્તકને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તથા નર્મદ ચંદ્રક, સુરત તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે. પુસ્તક 'વેદાન્ત સમીક્ષા' ગુજરાતી સાહિત્ય દ્વારા પુરસ્કૃત છે. 1987માં 'ચાલો, અભિગમ બદલીએ' તથા 'નવા વિચારો' અને 'પૃથ્વી પ્રદિક્ષણા' (1990-91) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે. તેઓએ 150થી વધુ પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકોનો હીન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયાં છે. તેઓ 5000થી વધુ પ્રવચનો દ્રારા સમાજમાં જાગૃતિ લાવી રહ્યાં છે. તેઓને 1988-89માં દધીચિ એવોર્ડ 'હેલ્પિગ હેન્ડ'-અમદાવાદ દ્વારા આનર્ત એવોર્ડ - મહેસાણા-(ઉ.ગુજરાત), ગોન્ધિયા એવોર્ડ: રાજકોટ - ધર્મમય માનવસેવા માટે દિવાળીબહેન મહેતા ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા, ગુજરાત દૈનિક પત્રકાર સંઘ દ્વારા 'લોકસાગરને તીરે તીરે' (સંદેશ)માં ચિંતનલક્ષી કટારલેખન માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેમણે 1994માં દક્ષિણ અમેરિકા અને અન્ય દેશોમાં વિદેશયાત્રા કરી. વર્ષ 1998થી 2000 દરમિયાન દ.આફ્રિકા, યુરોપ, ટાન્ઝાનિયા અને ચીનની યાત્રા કરી. 2006માં આંદામાન અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકાનો પ્રવાસ કરેલો છે. સ્વામી સચ્ચિદાનંદ પરમહંસની સેવાભાવનાનો પરિચય આપીએ તો 2001માં કચ્છનાં ભુકંપમાં રાપરમાં રાહત કેમ્પ અને સૌનાં માટે રસોડું તથા જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેન્કરો દ્રારા પાણીની સેવા સાથેનો સેવાયજ્ઞ કર્યો. નર્મદા બંધના વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ આપ્યો. જળ સંકટ દૂર કરવા માટે ગુજરાતનાં અનેક તળાવોને ઊંડા કરાવી આપ્યાં. ચેકડેમ બાંધવા માટે અનેક ગામોને આર્થિક સહયોગ આપ્યો. અનેક શાળાઓના વર્ગખંડો બનાવી આપ્યા. વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને વર્ણ-કોમ, જ્ઞાતિના ભેદભાવ વિના અત્યાર સુધીમાં રુ.26,00,00,000 (છવ્વીસ કરોડ રુપિયા)થી વધુનું દાન અર્પણ કર્યું છે. તેઓએ દંતાલી, કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃદ્ધાશ્રમો બનાવ્યા તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરી. તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૉલરશિપ અને મફત પુસ્તકો આપ્યા. સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ આપ્યા. મૂલ્યનિષ્ઠ સાહિત્યકારનું દર વર્ષે સન્માન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદને રૂપિયા 3,00,000 (ત્રણ લાખ)નું દાન આપ્યું. લોહીની જરૂરીયાતને પુરી પાડવા માટે અનેકવાર રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ...