કેન્દ્ર-રાજ્ય સરકારને વર્ષે હજારો કરોડનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા મોરબીની પ્રાથમિક સુવિધા માટે અને સુચારુ વિકાસ માટે હવે એક માત્ર વિકલ્પ છે મોરબી પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવે મોરબી અપડેટના 'મોરબી માંગે મહાનગર' અભીયાનમાં સ્વૈચ્છીક સંસ્થાઓ, ઉધોગ, સામાજિક અને તમામ સંગઠનો, વ્યક્તિગત રજૂઆતો, રાજકીય નેતાઓને લેખિત મંતવ્યો, રજૂઆતો કરવા આગળ આવે તેવી અપીલ મોરબી : સીરામીક ઉત્પાદનો થકી સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતું મોરબી કેન્દ્ર અને સરકારને વર્ષ દહાડે હજારો કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપવાની સાથે સમગ્ર રાજ્યમાં જીએસટી કલેક્શન અને સમગ્ર દેશમાં ઇન્કમટેક્સ ચૂકવણીમાં મોખરે છે. આમ છતાં વર્ષ 2013ની 15 ઓગસ્ટના રોજ અલાયદું અસ્તિત્વ મેળવનાર મોરબી જિલ્લાના હેડક્વાર્ટર મોરબી શહેરની સમસ્યાના કાયમી ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે. મોરબી અપડેટ દ્વારા 'મોરબી માંગે મહાનગર' સૂત્ર સાથે મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે લોકોની માંગને વાચા આપવા અને લોક લાગણીઓને સરકાર સુધી પહોંચાડવા આજથી ખાસ અભિયાન શરૂ કરી રહ્યું છે. જેમાં 'મોરબી માંગે મહાનગર' અંતર્ગત મોરબી શા માટે મહાનગર પાલિકાનો હક્ક માંગે છે ? શા માટે મોરબીને મહાનગર બનાવવું જોઈએ ? મહાનગર પાલિકા બનતા મોરબીને શા શા ફાયદાઓ થશે ? સહિતના તમામ મુદ્દાઓ ઉપર મોરબીના વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાનો, વ્યક્તિગત રજૂઆતો ઉપરાંત તમામ રાજ્કીય નાના-મોટા પક્ષોના મંતવ્યો લેખિત સ્વરૂપે મેળવી સરકાર સુધી નક્કર વાસ્તવિકતા પહોંચાડવા અને મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મેળવવા લોક જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. 15 ઓગસ્ટ 2013ના દિવસે રાજકોટ જિલ્લામાંથી મોરબીને અલાયદો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. પરંતુ જિલ્લાના મુખ્ય મથક મોરબી શહેરને જે પ્રાથમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ તે નથી મળ્યું. ઉલટાનું પ્રાથમિક સમસ્યાઓ પણ દિન પ્રતિદિન વધી રહી છે. વર્ષે દહાડે મોરબીનો વિશ્વપ્રસિદ્ધ સીરામીક ઉદ્યોગ ઘરઆંગણે 45હજાર કરોડ અને વિદેશમાં 15 હજાર કરોડનું ટર્નઓવર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં ખટારા મોઢે ટેક્સ ઠાલવે છે છતાં આ ઉદ્યોગનગરને જરૂરી માળખાગત સુવિધા કે સારા રોડ રસ્તાની સુવિધા નથી મળી. વાત આટલેથી જ નથી અટકતી મોરબીના સીરામીક, પેપરમીલ, પોલીપેક, બાથવેર અને અન્ય ઉદ્યોગો દ્વારા દરવર્ષે હજારો કરોડ રૂપિયા જીએસટી અને એટલા જ પ્રમાણમાં ઇન્કમટેક્સ ચુકવવમાં આવે છે છતાં મોરબી શહેરનો જેવો થવો જોઈએ તેવો વિકાસ તો દુરની વાત છે પણ પ્રાથમિક સમસ્યાઓનો પણ નિકાલ થયો નથી. મોરબી શહેરના નાગરિકો હજુ પણ એક મોટા ગામડામાં રહેતા હોવાની અનુભિતી વચ્ચે દરરોજ ધૂળિયા માર્ગો ઉપર ચાલવામાં અને ગંદકી ઉભરાતી ગટરો વચ્ચે જીવવા મજબુર છે. ત્રણ નગરપાલિકા બને તેટલા વિસ્તારમાં હાલમાં એક નગરપાલિકામાં હોય એટલો પણ સ્ટાફ ન હોય પાલિકા રગશિયા ગાડાની મારફતે વહીવટ ચલાવી રહી છે. ત્યારે મોરબીની સમસ્યાઓનો ઉકેલ એક માત્ર મહાનગર પાલિકા જ હોય મોરબી અપડેટ એક અભિયાન શરુ કરી તમામ નાગરિકો, સંસ્થાનો, સંગઠનોને સાથે રાખી એક જન જાગૃતિ છેડવા જઈ રહ્યું છે. જેમાં સહયોગ આપવા તમામ આગેવાનો, સંસ્થાઓને અપીલ કરે છે.