મોરબીના પૂર્વ ધારાસભ્યએ તમામ સમાજને ઘડિયા લગ્ન યોજવા માટે સેવા પ્રદાન કરવા જાહેરાત કરી મોરબી : મોરબી પાટીદાર સમાજની લગ્નના ખોટા ખર્ચા બચાવવા માટેની ઘડિયા લગ્નની પહેલ મોરબી જ નહીં બલ્કે સમગ્ર રાજ્યમાં રંગ લાવી રહી છે. ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને આ વિચારધારામાં માનનારા લોકો માટે ઉત્સાહપ્રેરક જાહેરાત કરી છે.જેમાં કાંતિભાઈના ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લાના તમામ સમાજને ઘડિયા લગ્ન હોય તો તેઓને મોરબી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રાખવા માટે આહવાન કર્યું છે. આ માટે વર્તમાન સમયની કોરોના અન્વયેની સરકારની ગાઈડલાઈન છે ત્યાં સુધી અને તે મુજબ બંને પક્ષમાંથી 50 વ્યક્તિ -50 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરી તેઓના ભોજન સમારંભનો તમામ ખર્ચ કાંતિભાઈ અમૃતિયા દ્વારા આપવામાં આવશે. કોરોનાકાળમાં પણ કાંતિભાઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આયુર્વેદિક દવાખાના, અર્બન હેલ્થ સેન્ટર વી. ખાતે દવાઓ પહોંચાડવા ઉપરાંત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા રોકડ રકમ આપી હતી અને આ સમયે સામાજીક પ્રસંગે ઉપયોગી બનીને આમ પ્રજા માટે તેઓ હંમેશા ચિંતિત છે તેની પ્રતીતિ કરાવી છે.