જાંબુડિયા ઓવરબ્રિજ નજીક ઓવરલોડ ટ્રક ચાલકે જાહેરમાં પથ્થર ઠાલવી આરટીઓ અને પોલીસને ફેંક્યો ખુલ્લો મોરબી : મોરબીમાં દિવસે ને દિવસે ઓવરલોડેડ વાહનો રિજેક્ટ થયેલ માટી અને પથ્થર ગમે ત્યાં આમ જનતા ઉપર ત્રાસ વરતાવી રહ્યા છે. ત્યારે આજે તો આવા એક ઓવરલોડે ટ્રક ચાલકે આરટીઓ કચેરી નજીક જ ખુલ્લે આમ પથ્થરનો ઢગલો કરી મોરબી આરટીઓ અને પોલીસને થાય તે કરી લો નો પડકાર ફેંકવામાં આવ્યો છે. મોરબી નેશનલ હાઇવે હોય કે આંતરિક રસ્તાઓ હોય ખનીજ ચોરી કરતા તત્વો મન પડે ત્યાં માટી અને પથ્થરના ઢગલા કરતા હોવાની ઘટનાઓ સામાન્ય છે ત્યારે આજે મોરબી-જાંબુડીયા ઓવરબ્રિજ પાસે ઓવરલોડેડ ટ્રક દ્વારા પથ્થરોના મસ મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ ઓવરલોડેડ વાહને બ્રિજની એકદમ પાસે જ પથ્થરોના ઢગલા ઠાલવીને જતો રહેતા બ્રિજ પાસેથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ઓવરબ્રિજ પાસે જ આરટીઓ કચેરી આવેલી છે. ત્યારે હવે તો માથાફરેલા ખનીજ ચોરોને ઓવરલોડ વાહન ચલાવવામાં આરટીઓ અધિકારીઓને જાણે ખરીદી લીધા હોય તેવી લોકોને અનુભૂતિ થઈ રહી છે. આ સંજોગોમાં આરટીઓ અને પોલીસને થાય તે કરી લેવાનો ખુલ્લો પડકાર ફેકનાર વાહન ચાલક સુધી તંત્ર પહોંચે છે કે પછી લાજ કાઢી લે છે તે આવનાર સમય બતાવશે.