માર્ગની અધોગતિથી ઉદ્યોગપતિઓ થાક્યા : આ રોડ ઉપર કારખાનું ધરવવામાં શરમ અનુભવતા હોવાનું કહેનાર કારખાનેદારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ : જોકે ટૂંક સમયમાં માર્ગ રીપેર કરવાનો તંત્રનો ફરી એક વાર દાવો મોરબી : હવે તો બહુ થયુ હો ભાઈ મારા ઉપર મને શરમ આવે છે...કે હું એક પીપળી રોડ ઉપર એક કારખાનાનો માલિક તરીકે છું....જે રસ્તા ઉપર ખાડાઓ છે.મારા સાથે કામ કરનારા કોઈ પણ વ્યક્તિઓનું સારું નથી કરી શકતો એવો અનુભવ કરું છું, આ રસ્તાઓનું કાયમી માટે કાંઈ સારું થઈ શકે એવું હોય તો બહુ સારું,ન રાજકારણનો વાંક કાઢો કે મારો કાઢો મને ખબર નથી પડતી... આ શબ્દો મોરબીના પ્રતિષ્ઠિત ગણાતા ઉદ્યોગપતિના છે અને હાલ સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ થયો છે. જ્યારે આ રોડની દુર્દશા મામલે તંત્રએ ફરી એક વાર ટુક સમયમાં જ પીપળી રોડની સમસ્યાનો કાયમી અંત આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે તંત્રનો દાવો ક્યારે સિદ્ધ થશે એ તો આવનારો સમય બતાવશે. મોરબીના ઉદ્યોગપતિ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં જણાવાયું છે કે 10લાખથી માંડીને 30થી 40 લાખની ગાડીઓ લઈને આપણે ઓફિસે જાય છીએ, પીપળી રોડ પર જ્યારે આપણી ફેક્ટરી વેપારીઓમાં કોઈ વેપારી આવે ત્યારે આપણને કેવું અનુભવ થાય છે એ આપણને જ ખબર છે. લાખો રૂપિયામાં જમીનો વેચીને બંગલા બનાવી છે પણ આપણે જે રસ્તા ઉપર કાયમી અવર-જવર કરવી છે એનું ક્યારે આપણે વિચારતા નથી. વધુમાં રૂપિયા ફેક્ટરીઓમાંથી કમાઇ છીએ પણ સગવડતા નામે આપણે ઝીરો છીએ ખાલી વાતો કરવામાં આપણે બહુ મોટા છે. ચૂંટણી આવે ત્યારે આપણે અંદરો અંદર બાજીએ છીએ પણ ક્યારે આપણા સગવડતાનું આપણે વિચાર્યું પણ નથી.અંતમાં મારી વાત કદાચ આપણને કડવી પણ લાગતી હશે તો પણ સત્ય છે એવું જણાવી ઉદ્યોગપતિએ હું શરમ અનુભૂતિ કરું છું પીપળી રોડ ઉપર રહી ને તેવું જણાવ્યું છે. બીજી તરફ પીપળી રોડની વર્તમાન પરિસ્થિતિ અને કાયમી ઉકેલ મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગમાં નાયબ ઈજનેર અને મોરબીના જ વતની એવા હિતેશભાઈ આદ્રોજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, પીપળી રોડની ઉબડખાબડ સ્થિતિનો ટૂંક સમયમાં જ ઉકેલ આવી જશે અને હાલમાં પડેલા ખાડાઓ રીપેરીંગ માટે સર્કલ કક્ષાએથી મંજૂરી લેવામાં આવી રહી છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે પીપળી રોડ ઉપરનો ટ્રાફિક જોતા પીપળી રોડને ફોરલેન બનાવવા માટે ગાંધીનગર દરખાસ્ત કરી દેવામાં આવી છે અને સોમવારે તેઓ ખુદ પીપળી રોડ ફોરલેન મામલે ગાંધીનગર જઇ રહ્યા હોવાનું ઉમેર્યુ હતું. ત્યારે તંત્રના દાવા નક્કર હકીકત પુરવાર થાય છે કે પોકળ સાબિત થાય છે તે આવનાર સમય બતાવશે.