કોરોના ગાઈડલાઈનને પગલે લગ્નોત્સવો ફિક્કા પડતા ગોરદાદા નવરાધૂપ : 150 લોકોની મર્યાદાને કારણે અનેક પરિવારોએ આગામી વૈશાખ અથવા અષાઢ માસ સુધી લગ્નો ટાળ્યા મોરબી : લગ્ન એક એવો સામાજિક પ્રસંગ છે કે માત્ર વર-વધુ જ નહીં લગ્નમાં જોડતા દરેક લોકો માટે એ લગ્ન યાદગાર પ્રસંગ હોય છે. એટલે ઘનિક હોય કે સામાન્ય, દરેક વ્યક્તિ લગ્ન પ્રસંગને હર્ષોલ્લાસભેર દિપાવે છે. આથી લગ્નમાં કોઈ બાધા કે વિઘ્ન ના આવે એના માટે લોકો પ્રભુ પાસે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી જમની જેમ ઘર ભાળી ગયેલા કોરોના ફરી લગ્નસરાની મૌસમમાં જ ત્રીજી લહેરરૂપી ફરી આંતક મચાવ્યો છે.આથી સરકારે ફરી લગ્ન પ્રસંગ ઉપર નિયત્રણ નાખતા અગાઉથી સંતાનોના ધામધૂમથી લગ્નના આયોજન કરનારા વડીલોના સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા છે. મોરબીની વાત કરીએ તો કોરોનાના વિઘ્નને કારણે મોરબીમાં અડધોઅડધ લગ્નો ઘટી ગયા છે. મોરબીમાં લગ્નસરાની સિઝન પુરબહારમાં ખીલી છે. પણ ખરે ટાંકણે જ કોરોના વિઘ્ન બનીને હાવી થઈ ગયો છે. જો કે ગયા વર્ષે કોરોનાની બીજા લહેરમાં ઘણા લોકોએ પોતાના સંતાનોના લગ્નો મોકૂફ રાખ્યા હતા અને આ ડિસેમ્બર કે જાન્યુઆરી માસમાં લગ્ન કરવાનું વિચાર્યું હતું. પણ લગ્નસરાની સીઝનમાં જ 28 ડિસેમ્બરથી કોરોનાની ત્રીજી ઇનિંગ શરૂ થતાં લગ્નનું અગાઉથી લગ્નના આયોજનની પથારી ફરી ગઈ છે. એક મહિનો કમુરતા રહ્યા બાદ હવે આ 20 તારીખથી શુભ મુહૂર્ત શરૂ થયા છે. તા.20 થી 17 ફ્રેબ્રુઆરી સુધી 11 જેટલા લગ્નના શુભ મુહૂર્ત છે. આથી અંદાજે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં 250 જેટલા લગ્નોના આયોજન થયા હતા. પરંતુ કોરોનાને કારણે લગ્નમાં 150 લોકોની મર્યાદા આવી જતા 100 થી વધુ લગ્નો હાલ પૂરતા કેન્સલ થયા છે. લગ્ન પાછળ ઠેલવાનું કારણ એ છે કે ઘણા પરિવાર એકનો એક જ પુત્ર હોય તેમજ વર્ષો પછી આવા શુભ પ્રસંગો આવતા હોય દરેક સગા સ્નેહીઓને આમંત્રણ આપવા માંગતા હોવાથી બધાના વ્યવહાર સાચવવા માટે હાલ પૂરતા લગ્નો મોકૂફ રખાય છે. લગ્નમાં ગોરબાપાથી માંડીને 100 થી વધુ વ્યવસાય જોડાયેલા હોય છે. એમ કહેવાય છે એ લગ્નનો રૂપિયો બજારમાં ફરતો હોય માર્કેટમાં તેજી આવે છે. જેમાં કટલેરી, સોના-ચાંદી, કપડાં, સહિતની મોટાભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓની લગ્નોમાં ખરીદી થાય છે.પરંતુ કોરોનાને કારણે અડધોઅડધ લગ્નો રદ થયા હોવાનું વિપુલભાઈ શાસ્ત્રી કહે છે. આથી માર્કેટ અને પાર્ટી પ્લોટમાં પણ માઠી અસર થઈ છે. જે જે લોકો પહોંચી વળે એમ છે એટલે ઘનિક લોકો હોય તેઓ પોતાના સંતાનોના લગ્નો વૈશાખ અને અષાઢમાં લગ્નો પાછા ઠેલ્યા છે. માત્ર સામાન્ય વર્ગ કે મધ્યમ વર્ગ જ હાલ સાદાઈથી લગ્ન કરી નાખે છે. લગ્નોમાં સગા સબધીઓ હાજર ન હોય તો લોકોનો ઉત્સાહ મરી જાય છે અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય પરાણે ઘણા પરિવારોને સીમિત લોકોની હાજરીમાં ડાડીયા રાસ સહિતની રીત રસમ વગર જ લગ્ન આટોપી દેવા પડે છે. લગ્ન પ્રસંગ કરેટર્સનું ઘણું મહત્વ હોય પણ આ વખતે કોરોનાને કારણે પાર્ટી પ્લોટના લગ્નો ઘડાઘડ કેન્સલ થતા કેરેટર્સની માઠી હાલત સર્જાઈ છે. આ અંગે કેરેટર્સ સંજયભાઈ કહે છે કે, લગ્નોમાં ખૂબ હાજરી ઓછી હોય છે. એટલે રસોઈ ખૂબ ઓછી બનાવી પડે છે. તેમાંય પાર્ટી પ્લોટના લગ્નો રદ થતા મોટા ઓર્ડરો પણ હાથમાંથી ગયા છે. બહારથી આવતા ખાસ રસોયાને પણ આ વખતે બોલાવ્યા નથી અને મેનુ પણ ટૂંકું થઈ ગયું છે. આવી જ હાલત મંડપ-લાઈટ ડેકોરેશનના ધંધાર્થીઓની છે. મંડપના ધંધાર્થી પિયુષ પુજારા કહે છે કે, મંડપનો ખર્ચો પણ માંડ નીકળે છે. હાલ લગ્ન પ્રસંગોમાં મંડપ અને લાઈટ ડેકોરેશનમાં મોટો કાપ મુકાયો છે. મોટા વૈભવી લગ્નો રદ થતા ઘણું નુકશાન વેઠવાની નોબત આવી છે.