રામાપીરના મંદિર ફરતે ગંદા પાણી ભરાતા પ્રજાજનો ત્રાહિમામ મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર -12માં છેલ્લા ચાર દિવસથી ભાજપના ચૂંટાયેલા સભ્યના ઘર પાસે ભગર્ભ ગટર છલકાઈ રહી હોવાથી નર્કાગાર જેવી સ્થિતિ નિર્માણ થઇ હોવાનો આરોપ લગાવી મોરબીમાં ભૂગર્ભ કોન્ટ્રાકટરને પૈસા આપો તો કામ થતા હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પ્રમુખ રમેશભાઈ રબારીએ કર્યો છે. મોરબી શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાએ મોરબી શહેરની જનતાને નર્કાગાર જેવી પરિસ્થિતિમાં ધકેલી દીધા હોવાનું જણાવી ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પ્રમુખ રમેશભાઈ રબારીએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 12મા આવેલા રામદેવપીર મંદિર નજીક ભાજપના ચૂંટાયેલા સદસ્યોના ઘર પાસે જ ભૂગર્ભ ગટર છેલ્લા ચારથી પાંચ દિવસથી ઉભરાઈ છે જેના ગંદા પાણી મંદિરની આસપાસ ભરાઇ જતા ભક્તજનો મંદિરમાં પૂજા પાઠ કરવા પણ જઇ શકતા નથી. આ મામલે અવારનવાર મોરબી નગરપાલિકા ને ભૂગર્ભ ગટર સાફ કરવા લોકોએ રજૂઆત કરેલ પરંતુ વોર્ડ નંબર 12 માં ભાજપના ચૂંટાયેલા સદસ્યો ચેરમેન છે છતાં આ વોર્ડની અંદર કોઈ કામ થતાં નથી. આ ઉભરાતી ગટરના પાણીના કારણે રવાપર મેન રોડ પર ચોમાસાના વરસાદના પાણીની જેમ આ ગટરના પાણી ઓ વહેવા લાગ્યા છે. જેના કારણે વેપાર ધંધો કરતા દુકાનદારોને પણ વેપાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.જો એક ચૂંટાયેલા ભાજપનાં સદસ્યના ઘર પાસે ઉભરાતી ગટરના પાણીનો આખા વિસ્તારમાં ફરી વળતા હોય અને આ સદસ્ય પણ કામ ન કરી શકતા હોય આમ પ્રજાની શું પરિસ્થિતિ થતી હશે એવો સવાલ પણ ઉઠાવ્યો છે. વધુમાં મોરબી નગરપાલિકા ના ભૂગર્ભ ગટરના કામનો કોન્ટ્રાકટર રાખનાર કોન્ટ્રાકટરને જો પેસા આપવામાં આવે તો ગટર વહેલી સાફ થઇ જતી હોવાનું કહી પાલિકામાં પૈસાનો વહીવટ કરો તો જ કામ થતા હોવાનો આક્ષેપ કરી વોર્ડ નંબર 12માં રામદેવપીરના મંદિર પાસે આવેલી ભૂગર્ભ ગટર તાત્કાલિક સાફ સફાઈ કરાવી લોકોને પડતી મુશ્કેલી માંથી ઉગારવા માંગણી કરવામાં આવી છે.