સગર્ભા મહિલાને ધરાર વેક્સીન લેવા દબાણ કરી સર્ટિફિકેટ ઈશ્યુ કરી દેવાયું પરસોતમ ચોકના વેક્સિનેશન સેન્ટરના કર્મચારીઓનો રોકડો જવાબ સર્ટિફિકેટ ઈશ્યુ કરી ટાર્ગેટ પૂરો કરવા અમને ઉપરથી સૂચના છે !! મોરબી : મોરબીમાં જે કોઈ નાગરિકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમ છતાં મોબાઈલમાં બન્ને ડોઝ લીધા હોવાના સર્ટિફિકેટ ઈશ્યુ થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારી તપાસની કેસેટ વગાડી રહ્યા છે ત્યારે આજે સગર્ભા મહિલાને વેક્સિનેશન આપ્યાનું સર્ટી ઈશ્યુ થઇ જતા શહેરના પરસોતમ ચોકના આરોગ્ય કેન્દ્રના વેક્સિનેશન કર્મચારીએ આરોગ્ય વિભાગમાં ચાલતા કાગળ ઉપર વેક્સીન આપવાના કૌભાંડનો ખુલમખુલ્લા સ્વીકાર કરી ઉપરથી સૂચના મળી હોય અમે આવા સર્ટિફિકેટ ઈશ્યુ કરતા હોવાનું જણાવી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવા સામાન્ય નાગરિકને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. મોરબીમાં રાત થોડી વેશ જાજા ઉક્તિ મુજબ જિલ્લા આરોગ્ય વિભાગ સ્ટાફની અછત વચ્ચે કોરોના ટેસ્ટિંગ, વેક્સિનેશનની કામગીરી કરી રહ્યું છે ત્યારે સરકારના ટાર્ગેટ પૂર્ણ કરવા છેલ્લા ઘણા સમયથી રીતસરની કૌભાંડ ચલાવી જે લોકોએ કોરોના વેક્સીન લીધી જ નથી અથવા તો જે લોકોએ પહેલો ડોઝ લીધો છે પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી છે તે લોકોને ધડાધડ કોરોના વેક્સીન આપી દેવામાં આવી હોવાના ખોટા સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પૂર્વે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિને આવું બોગસ સર્ટી મળતા મામલો આરોગ્ય વિભાગ અને મીડિયા સુધી પહોંચતા શરમના માર્યા આરોગ્ય વિભાગના અધિકારીએ આ બાબતે તપાસ કરશે અને દોષિતો સામે કાર્યવાહી કરવા જોરશોરથી કેસેટ વગાડી હતી. બીજી તરફ આજે આવા જ એક બનાવમાં શીતલબેન નરભેરામભાઇ ગઢીયા નામના મહિલા સગર્ભા હોય ડોકટરે સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના વેક્સીન મુકાવવાની ના પાડી હોવાથી તેમને બીજો ડોઝ લેવા ગયા ન હોવાથી આજે પરસોતમ ચોક આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સીન મુકાવી જવા કોલ આવ્યો હતો. જો કે, શીતલબેને ડોક્ટરની સલાહ મુજબ વેક્સીન મુકાવવા ના પાડવા છતાં થોડા સમયમાં જ તેમના મોબાઈલમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા. આ ગંભીર બનાવ મામલે તેમના પરિવારજનોએ જે નંબર ઉપરથી વેક્સીન લેવા માટે કોલ આવ્યો તે નંબર ઉપર કોરોના રસી મુકાવ્યા વગર સર્ટિફિકેટ કેમ આવ્યું તે અંગે ફોન કરતા ફરજ ઉપરના વેક્સિનેશન કર્મચારીએ પોતાનું નામ આપવા ઇન્કાર કરી જે કરવું હોય તે કરો, જિલ્લા પંચાયતે જાવ અને ફરિયાદ કરો,...અમને ઉપરથી જ સૂચના છે તે મુજબ જ કામ કરીએ છીએ અને તમને ભલે સર્ટી આવી ગયું વેક્સીન મુકવાની કોઈ ના નહીં પડે તેવું ફોનમાં ખુલમખુલ્લા બોલતા શીતલબેનના પરિજનોએ આ વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન પણ કાગળ ઉપર વેક્સીન આપવા ઉચ્ચ અધિકારીઓ જ કૌભાંડ આચરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કાગળ ઉપર મુકાતી કોરોનાની મોંઘા ભાવની રસી આખરે લોકોને મુકાતી નથી તો ક્યાં જાય છે ? શું મોંઘા ભાવની રસી કચરા ટોપલીમાં જાય છે કે પછી અન્ય ક્યાંય પગ કરી જાય છે તે બાબતની ઊંડાણપૂર્વકની તપાસ કરવાની સાથે કાગળ ઉપર રસીકરણ કરી નાખતા તત્વો સામે પણ પગલાં લેવા જ જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..